ગુજરાતમાં રવિપાકોનું વાવેતર 48 લાખ હેકટરને પાર, ગત વર્ષની સરખામણીમાં 2.47 લાખ હેકટર વધુ

- ભેજનો લાભ લઇને ખેડૂતોએ ઘઉં, ચણા જેવા પાકોનું વાવેતર વધારે કર્યુ
- પહેલાની સરખામણીમાં પિયત પાણીની સગવડ વધવાથી વાવેતરમાં અનુકૂળતા
જુન મહિના પછી ખેડૂતો વરસાદની આતૂરતાથી રાહ જોતા હોય છે. આમ તો ખેતી માટે ચોમાસુ જ મહત્વની સિઝન છે પરંતુ પહેલાની સરખામણીમાં પિયત પાણીની સગવડ વધવાથી દિવાળી પછી રવિ પાકોની રવિ સિઝન કે રવિ ખેતી પણ લાભદાયી રહે છે. ચોમાસુ પાક લીધા પછી પાણીના અભાવે જમીન પડી રહેતી પરંતુ હવે બાર મહિનામાં પાકોની બે સિઝન લઇ શકાય તેટલી સગવડ ઉભી થઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજયના કૃષિ વિભાગના આંકડા મુજબ ગુજરાતમાં રવિસિઝનનું વાવેતર 48 લાખ હેકટરને પાર કરી ગયું છે.
ગત વર્ષ આ સમયે 45.68 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતું તે જોતા વર્તમાન વર્ષના વાવેતર વિસ્તારમાં 2.47 લાખ હેકટરનો વધારો થયો છે. આ વર્ષે ચોમાસાની સિઝન લાંબી અને ભારે રહી હતી. નવરાત્રી સુધી રાજયના વિવિધ ભાગોમાં વરસાદ વરસતો રહયો હતો. પાક ધોવાણના પગલે વાવણી પણ એક કરતા વધારે વાર કરવી પડી હતી. જમીન ધોવાણ થવાની સાથે ખેતરોમાં પાણી નિકાલનો પણ કયાંક પ્રશ્ન જોવા મળ્યો હતો. સરેરાશ 45 થી 50 ઇંચ જેટલો વરસાદ થવાથી રવિ વાવેતર દરમિયાન જમીનમાં ભેજ પણ હતો.
આ ભેજનો લાભ લઇને ખેડૂતોએ ઘઉં,બાજરી અને મકાઇ જેવા ધાન્ય પાકો, ચણા જેવા કઠોળ પાકોનું વાવેતર કર્યુ છે. જીરુ, વરિયાળી,ઇસબગુલ, તમાકુ, ડુંગળી અને બટાટાનું પણ રવિ સિઝનમાં વાવેતર થતું હોય છે. પાટણ જિલ્લાના રાધનપુર પંથકના કેટલાક ગામોમાં તો બિન પિયત ચાસવા જીરાનું પણ વાવેતર થાય છે. જીરું આમ તો ખેડ ખાતર અને એક કરતા વધુ પિયતની જરુર પડતી હોય છે પરંતુ જીરુંના વાવેતર બીજને સારો ભેજ મળે તો તે ઉગી નિકળતું હોય છે. જો કે ઓલ ઓવર જોઇએ તો જીંરા અને વરિયાળી જેવા પાકમાં ઉત્પાદન અને ભાવનું જોખમ ટાળીને ખેડૂતોએ ઘઉં અને ચણાના વાવેતર તરફ વધારે ધ્યાન આપ્યું છે.