મગફળીના ભાવ 10 દિવસથી સ્થિર છતાં સિંગતેલમાં રૂ.50નો વધારો

- ગુજરાતમાં છેલ્લા અંદાજ મૂજબ 51 લાખ ટનનો વિક્રમી પાક
- કપાસના ભાવ પણ સ્થિર છતાં કપાસિયા તેલમાં 45નો વધારો
- ખાદ્યતેલોમાં કૃત્રિમ વધઘટ સટ્ટાખોરીના કારણે હોવાની શંકા
રાજકોટ | મગફળીના ભાવ ખેડૂતોને ઘણા સમયથી પ્રતિ 20 કિલોના રૂ.930-1220 મળી રહ્યા છે, માર્કેટ યાર્ડમાં ગત દસ દિવસથી આ ભાવમાં કોઈ વધારો થયો નથી આમ છતાં સિંગતેલ પ્રતિ 15 કિલોના ભાવમાં રૂ.50નો વધારો ઝીંકી દેવાયો છે. આ ઉપરાંત કપાસના ભાવ પણ નીચા પ્રતિ મણ મહત્તમ રૂ.1500થી નીચા રહેવા છતાં કપાસિયા તેલના ભાવમાં પણ દસ દિવસમાં રૂ.45નો વધારો ઝીંકાયો છે. આયાતી પામતેલના કે જેનો ઉપયોગ ઘરેલુ વપરાશમાં નહીં પણ પેક્ડ ફૂડના ઉત્પાદકો મોટા જથ્થામાં કરે છે તેના ભાવ પણ વધ્યા છે.
ગુજરાતમાં દર વર્ષે અગાઉ 30 લાખ ટન મગફળી પાકતી તેના બદલે ગત ત્રણ વર્ષોથી ખૂબ સારા વરસાદના કારણે મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થયું છે, ગત વર્ષ 2023-24માં 46.46 લાખ ટન બાદ આ વર્ષ 2024-25મા છેલ્લા દ્વિતીય અંદાજ મૂજબ પણ રાજ્યમાં વિક્રમી 52.72 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે.
આમ, મગફળીની સાથે સિંગતેલનું ઉત્પાદન પણ વધ્યું છે. વળી, હેક્ટર દીઠ ઉપજ પણ સારી મળી છે. જેના કારણે લોકોને ત્રણ વર્ષ બાદ આ વર્ષે સિંગતેલ વાજબી ભાવે મળી રહ્યું છે. જ્યારે ખેડૂતોને ઓછા ભાવ મળતા સરકારે મગફળીની આ વર્ષે વધારે ખરીદી ટેકાના ભાવે કરી છે. ઉલ્લેખનીય છે કે ટેકાના ભાવ બજારભાવથી ઉંચા છે.
ખાદ્યતેલોમાં ભાવની કૃત્રિમ વધઘટ માટે સટ્ટાખોરી થતી હોવાની શંકા જાગી છે. વેપારી સૂત્રો અનુસાર છૂટક બજારમાં હાલ કોઈ તેજી નથી, વળી લોકોએ જથ્થાબંધ ખરીદી પણ ઘટાડી છે, તેલીબિયાના સપ્લાયની કોઈ તંગી નથી છતાં કોઈ દેખીતા કારણ વગર તેલબજાર જાણે કે શેરબજાર બની ગઈ હોય તેમ રોજ ભાવમાં ફેરફાર અને હાલ વધારો થઈ રહ્યો છે.