ગોંડલનું માર્કેટ યાર્ડ મગફળીથી છલોછલ, સિઝનમાં 1.50 લાખ ગુણીની આવક

ગોંડલનું માર્કેટ યાર્ડ મગફળીથી છલોછલ, સિઝનમાં 1.50 લાખ ગુણીની આવક
  • દિવાળીની રજાઓ પહેલાં મગફળી વેચવા ખેડૂતો ઉમટી પડયા
  • માર્કેટિંગ યાર્ડની બન્ને તરફ 1200થી વધુ વાહનોની 5 – 6 કિ.મી. લાંબી કતારો લાગી, અંતે મગફળીની આવક બંધ કરવી પડી

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની રજાઓ પહેલા આજે મગફળીની વિપુલ પ્રમાણમાં આવક થવા પામી હતી. યાર્ડની બહાર બન્ને બાજુ અંદાજે 1200થી વધુ વાહનોની 5 થી 6 કી.મી. લાંબી કતાર લાગી હતી. જેથી માર્કેટિંગ યાર્ડમાં અંદાજે મગફળીની 1.50 લાખ કરતા વધુ અને સિઝનની સૌથી વધુ આવક થવા પામી હતી.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકની જાહેરાત થતા સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને સવારથી જ યાર્ડની બહાર આવી પોહચ્યા હતા અને મોડીરાત્રીના જણસીની આવક શરૂ કરવામાં આવી હતી. મગફળીની જણસીની આવક દરમ્યાન ખેડૂતોને તકલીફ ન પડે અને મગફળી વ્યસ્થિત જગ્યા પર ઉતારવામાં આવે તેને લઈને માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત યાર્ડના કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા. યાર્ડના છાપરા નીચે ઉપરાંત મરચાના ગ્રાઉન્ડમાં મગફળીની જણસી ઉતારવામાં આવી હતી.

માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતુ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ મગફળીનું હબ ગણાય છે. ત્યારે આગામી દિવસોમાં દિવાળીની રજાઓ આવતી હોય તેને લઈને આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સિઝનની સૌથી વધુ આવક થવા પામી હતી. મગફળીની હરાજીમાં રેગ્યુલર મગફળીના 20 કિલોના ભાવ રૂ.600થી રૂ.1200 સુધીના ભાવ બોલાયા હતા. જ્યારે 66 નંબરની મગફળીના 20 કિલોના ભાવ રૂ.700થી રૂ.1700 સુધીના ભાવ બોલાયા હતા.

રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી સહિતના જિલ્લાઓમાંથી મગફળીની આવક નોંધાઈ હતી. યાર્ડમાં જણસી ઉતારવા માટે જગ્યા ન હોય યાર્ડના સત્તાધીશો દ્વારા મગફળીની જણસીની આવક સદંતર બંધ કરવામાં આવી અને જ્યાં સુધી યાર્ડના સત્તાધીશો દ્વારા મગફળીની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે. ત્યાં સુધી ખેડૂતોએ પોતાની જણસી લઈને આવવું નહિં તેવું અંતમાં યાર્ડના ચેરમેન દ્વારા જણાવ્યું હતું.


Read More: ખેડૂતોને ટેકા મુજબના ભાવ પણ નથી મળતા ને ગુજરાત મોડલનાં નામે ભાજપે ચૂંટણી જીતી લીધી

Read More: અમરેલીના હનુમાન ખિજડીયા ગામે ખેડૂતોની નિષ્ફળ પાકની લૌકિક ક્રિયા

CATEGORIES
TAGS
Share This