ધોરિયા પિયતથી 80 ટકા પાણીનો મહા બગાડ, ડ્રિપ ઇરિગેશન જ શ્રેષ્ઠ માર્ગ

ધોરિયા પિયતથી 80 ટકા પાણીનો મહા બગાડ, ડ્રિપ ઇરિગેશન જ શ્રેષ્ઠ માર્ગ
  • રેલાવીને પાકને પિયત કરવામાં પાણીનો પુષ્કળ બગાડ થાય છે
  • ડ્રીપ ઇરિગેશન કે ફૂવારા પિયતથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ 

પૃથ્વી પર પાણીનો જથ્થો મર્યાદિત છે અને તેનો સૌથી વધુ ઉપયોગ ખેતી અને ઔધોગિક ઉત્પાદનોમાં થાય છે. ખેતીના દરેક પાકને હવામાન અને ખાસિયત મુજબ પિયતની જરુર પડે છે. કોઇ પણ પિયતની પધ્ધતિનો આધાર પાકની જરુરિયાત, જમીનનો પ્રકાર, પાણીની ઉપલબ્ધી,જમીનમાં ભૂગર્ભ જળનું સ્તર પર રહેલો છે.  બિન પિયત એટલે કે વરસાદી પાણીની સરખામણીમાં પિયત કરીને ખેતીપાકોનું વધુ સારુ ઉત્પાદન લઇ શકાય છે. ખેતીની બે કે ત્રણ સિઝન લેવા માટે પિયતની વ્યવસ્થા હોવી જરુરી છે.

પાકની ઉત્પાદકતા માટે સારી ખેડ, ખાતર અને ગુણવત્તાવાળા બિયારણ તથા પાક સંરક્ષણના ઉમદા ઉપાયો હોય તો પણ સૌથી મોટું પરિબળ પાણી છે. બધુ જ હોય પરંતુ સમયસર પાણીના મળે તો તમામ મહેનત વ્યર્થ જાય છે. ખેતી માટે જમીન અને પાણી જેવા કુદરતી સ્ત્રોતો મર્યાદિત થતા જાય છે ત્યારે ખેતીનું ઉત્પાદન વધારવા માટે વધુને વધુ પડતર જમીનને ઉપયોગમાં લઇને ખેતીલાયક બનાવવી તથા મર્યાદિત પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો ખૂબ જરુરી છે. કેટલીક પરંપરાગત પિયત પધ્ધતિઓ જેમ કે નિકપાળા, પટ્ટી કે કયારા પધ્ધતિથી પિયત અપાય છે.

 પાક કરતા તો માટીના કાચા પાળા વધારે પાણી પીવે છે.

ખેતરમાં કાચા ધોરિયા કરીને પાણી રેલાવીને પાકને પિયત કરવામાં 80 ટકા જેટલા પાણીનો બગાડ થાય છે. કાચા ધોરિયામાં પાણી રેલાવામાં આવે ત્યારે પાક કરતા તો માટીના કાચા પાળા વધારે પાણી પીવે છે. પાકને માંડ થોડું પાણી મળતું હોવાથી પાણીનો મહા બગાડ થાય છે. પાણીને રેલાવીને આપવામાં આવે ત્યારે તે હવામાં ઉડી જાય છે. જમીનના ક્ષારો પણ ઉપર લાવે છે આથી જમીનની ગુણવત્તા બગડે છે. નદીઓના પાણીને ડેમ બાંધીને રોકીને તેનો નહેર  દ્વારા ખેતીકામમાં લેવામાં આવે છે. ખેતરમાં 100 ફૂટથી માંડીને 700 ફૂટ સુધીના ઉંડાણ સુધીના બોરવેલ  કરીને પાકને સૌથી વધુ પિયત આપવું સૌથી પ્રચલિત છે.

ભૂગર્ભમાંથી જેટલું પાણી વપરાશ માટે ખેંચવામાં આવે છે તેટલું પાણી જમીનમાં ઉતરતું ના હોવાથી ભૂગર્ભ જળ ઉંડા ઉતરતા જાય છે જેટલા ઉંડેથી પાણી ખેંચવામાં આવે છે તેટલા પાણીના ટીડીએસ અને નુકસાનકારક તત્વોનું પ્રમાણ વધારે હોય છે જે પાક અને જમીન માટે હાનિકારક છે. ખેતી ખર્ચ પણ ઘણો વધી જાય છે. એવા અનેક ખેડૂતો છે જે ખેતરમાં ઉંડા બોરવેલ મુકીને દેવામાં ડૂબી ગયેલા છે. બોરવેલમાં વીજળી બીલ, મોટર તથા પંપનું મેન્ટેનન્સ મોંઘુ પડે છે. બોરવેલ ફેલ થાય ત્યારે ખર્ચ પાણીમાં જાય છે. આમાં સંજોગોમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ જ એક માત્ર ઉપાય છે.

 યાદ રાખો વનસ્પતિને પાણી નહી પરંતુ ભેજની જરુર પડે છે

નર્મદાની કેનાલના નેટવર્ક ઉપરાંત નાના ચેકડેમનો ઉપયોગ ખેતીમાં વધતો જતો જાય છે. પિયતની સગવડ પછી ખેત ઉત્પાદનમાં વધારો થયો છે. કેટલાક વર્ષો પહેલા માત્ર વરસાદ આધારિત આકાશી ખેતી થતી હતી હવે પિયતની સગવડ વધી છે. ભારતમાં 40 થી 44 ટકા ખેડૂતો પાસે વરસાદ ઉપરાંતની કોઇને કોઇ પિયત પધ્ધતિથી પાકને પાણી આપવાની સગવડ છે, પિયત વધતું  જાય તેની સાથે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરતા પણ શીખવું પડશે.

ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ જીરુ,કપાસ, ઘઉં, તમાકુ ઉપરાંત શાકભાજી અને ફળઝાડને કાચા ધોરિયા કરીને પિયત આપવામાં આવે છે. આંબા, ચીકુ, જામફળ, બોર,આંબળા,દ્વાક્ષ, કેળ, પપૈયા,નારંગી, નાળિયેરી,લીંબુ તથા દાડમ જેવા  ફળઝાડના પાકોમાં ખામણા કરીને પાણીથી ભરી દેવામાં આવે છે પરંતુ વનસ્પતિને પાણી નહી પરંતુ ભેજની જરુર પડે છે તે વાત જ ભૂલાઇ ગઇ છે. ધોરિયા પર વધારાનું ઘાસ પણ ઉંગી નિકળે છે જેને નિંદણ કહેવામાં આવે છે.

 ટપક પધ્ધતિથી પાક મુજબ પાણીની 30 થી 70 ટકા જેટલી બચત થાય છે

 કાચા ધોરિયાથી પિયત માટે પુષ્કળ માત્રામાં પાણીની જરુર પડે છે તેના સ્થાને ડ્રીપ ઇરિગેશન કે ફૂવારા પિયતથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જરુરી છે. પાક કે છોડના મૂળ અને મૂળ વિસ્તારમાં પાકને જરુરી માત્રામાં જયારે જોઇએ ત્યારે ઓછા પ્રવાહ સાથે ટીપે ટીપે પાણી આપવાની પધ્ધતિને ટપક સિંચાઇ પધ્ધતિ (ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ) કહેવામાં આવે છે. આ પધ્ધતિથી છોડના વિકાસ અને વૃધ્ધિ માટે જરુરી ઘટકો જેવા કે હવા,ભેજ અને પોષકતત્વો જમીનમાંથી સપ્રમાણમાં સહેલાઇથી મળતા હોવાથી પાકનો વિકાસ સારો અને ઝડપી થાય છે.

ધીમે ધીમે ઓછુ પિયત વારંવાર આપવામાં આવતું હોવાથી જમીનમાં ભેજ તથા હવાનું યોગ્ય પ્રમાણ જળવાઇ રહે છે જેથી હવાની અવર જવર અને ઉષ્ણતામાનનું પણ નિયંત્રણ થાય છે. ડ્રિપ વડે પાકને જરુરિયાત મુજબ રાસાયણિક ખાતરો પાણી સાથે ઓગાળીને તેને મૂળ સુધી આપી શકાય છે જેના લીધે પોષકતત્વો જમીનમાં પાણી સાથે ઉંડા ઉતરી જતા નથી તથા પાણીની સાથે વહી પણ જતાં નથી. શેરડી જેવા લાંબાગાળાના પાકમાં 43 ટકા, કપાસમાં 53 ટકા, દિવેલામાં 73 ટકા અને મગફળીમાં 20 થી 25 ટકા જેટલી પાણીની બચત થાય છે. ટામેટા, ભીંડા, કારેલા, મરચાં અને બટાટા જેવા શાકભાજીના પાકો માટે પણ 30 થી માંડીને 50 ટતા જેટલી પાણીની બચત જયારે ઉત્પાદનમાં સરેરાશ 50 થી 60 ટકાનો ફાયદો થાય છે.

 

CATEGORIES
Share This