અમરેલીના હનુમાન ખિજડીયા ગામે ખેડૂતોની નિષ્ફળ પાકની લૌકિક ક્રિયા

અમરેલીના હનુમાન ખિજડીયા ગામે ખેડૂતોની નિષ્ફળ પાકની લૌકિક ક્રિયા
  • ગોંડલના મોવિયામાં 81 ઇંચ વરસાદથી ખેડૂતો બેહાલ, મગફળીનાં પાથરા તણાઇ ગયા
  • મોરબી પંથકમાં અગાઉની અતિવૃષ્ટિ સહાયનાં ફોર્મ ભર્યા હોવાં છતાં કોઇ પ્રકારની મદદ નથી મળી
  • કોડિનારમાં વાવેતર નિષ્ફળ જતાં કફોડી સ્થિતિ

Unseasonal Rain | સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસુ તા. 15મી ઓકટોબરે અધિકૃત રીતે પૂરૂ થઈ ગયા બાદ મેઘરાજાએ ખફાદ્રષ્ટિ રાખી વણનોતર્યા મહેમાન બનીને આવતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો ઝુંટવાઈ ગયો છે. ઠેરઠેર માવઠાંનો વરસાદ વરસી જતાં ખેડૂતોના ઘરમાં દીવાળી ટાણે જ હોળી સર્જાઈ ગઈ છે.

ખેતરોમાં ઉભો પાક ખાતર થઈ ગયો છે. વડિયા તાલુકાના હનુમાનખિજડિયા ગામે અતિવૃષ્ટિથી પીડિત ખેડૂતોએ ભારતીય કિસાન સંઘના ઉપક્રમે ઉભા પાકના નામનું નાહી નાખી ખેતીપાકની લૌકિક ક્રિયા કરી સરકારની આંખ ઉઘાડવા પ્રયાસ કર્યો છે.

મોવિયામાં સિઝનનો કુલ 81 ઈંચ વરસાદ વરસી જતાં ખેડૂતની હાલત કફોડી થઈ ગઈ છે. એમાં યે તા.13ના રોજ દસ ઈંચ વરસાદ વરસતા ખે તરોમાં કપાસના છોડ ઉંધા વળી ગયા છે અને મરચાના પાક એરંડા તુવેરના પાકનો સત્યાનાશ વળી ગયો છે, મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત મગફળીના પાથરાઓ તણાઈ જતાં ખેડૂતોની હાલત રડવા જેવી થઈ ગઈ છે. આવી હાલતમાં સરકારે તાકિદે રાહત જાહેર કરવી જોઈએ આ ઉપરાંત વગર વ્યાજની લોન આપી આગળના પાક વાવેતરમાં મદદ કરવી જોઈએ એવી માગણી ઉઠી છે.

માવઠાંના ભારે વરસાદ વેળા વડિયા કુંકાવાવ તાલુકામાં મગફળી સોયાબીન, કપાસ, સહિતનો પાક ચોપટ થઈ જતાં હનુમાનખિજડિયાના ખેડૂતોએ ભારતીય કિસાન કોંગ્રેસના ઉપક્રમે ખેતરોમાં જઈ મરી ગયેલા પાકની મૃતક લૌકિક ક્રિયા કરી રોકકળ કરી હતી. આ રીતે સરકારી તંત્ર અને સરકારનું ધ્યાન ખેચવાનો પ્રયાસ કર્યો છે.

મોરબી જિલ્લામાં સો ટકાથી વધારે સિઝનનો વરસાદ વરસી ગયો છે. એક બાજુ ખેતરોમાં ઉભેલો પાક પુખ્ત થઈ જતાં કાપણી કરવાનો સમય આવ્યો એ જ સમયે માવઠાનો ધોધમાર કમોસમી વરસાદ વરસી જતાં ખેડૂતોની હાલત બગડી ગઈ છે. આ અગાઉ પણ અતિવૃષ્ટિ થઈ ત્યારે બધાએ ફોર્મ ભરેલા છે એ વખતની પણ કોઈ કાર્યવાહી થઈ નથી. આથી હવે લીલો દુષ્કાળ જાહેર કરી પેકેજ જાહેર કરવા માગણી કરાઈ છે.

કોડીનાર પંથકમાં છેલ્લા પંદર દિવસથી વરસી રહેલા વરસાદે ખેડૂતોની માઠી દશા કરી નાંખી છે અહી કપાસ સોયાબીન, મગફળીનો પાક નાશ પામી ગયો છે સરકારે તાકિદે ખેડૂતોને વીઘા દીઠ સહાય ચુકવવી જોઈએ એવી માગણી કરી છે.

અમરેલીમાં કિસાન સંઘના આગેવાનો ખેડૂતોને થયેલ પાક નુકશાની ને લઈને રજૂઆત કરવા માટે કલેકટર કચેરી ખાતે દોડી આવ્યા હતા. જિલ્લા કલેકટર આવેદન આપી ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં નવરાત્રીથી આજદિન સુધી કમોસમી વરસાદ પડવાથી આખા જિલ્લામાં ખેડુતોને મગફળી, સોયાબીન, કપાસ, ડુંગળી તેમજ ઘાસચારાને અન્ય ખેડુતના ખેતરમાં પાકેલા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે. તો આનુ તાત્કાલીક સર્વે કરી ખેડુતોને વહેલીતકે સહાય મળે જેથી ખેડુતોના હાથમાં આવેલ કોળીયો જુટવાઈ ગયેલ છે. તેવી ખેડુતોની પરિસ્થિતિમાં આંશિક રાહત મળી શકે તેવી રજૂઆત કરવામાં આવી હતી.


Read More: હળવદમાં પાછોતરા વરસાદમાં મગફળી- કપાસનો પાક પલળ્યો

Read More: સાયલા પંથકમાં બે ઈંચ વરસાદથી ખેતરમાં તૈયાર પાક પર પાણી ફર્યું

CATEGORIES
TAGS
Share This