સીઝનમાં તૈયાર થયેલ ખેત પેદાશો દિવાળી પહેલા ટેકાના ભાવે ખરીદવા ખેડૂતોનો હુંકાર
ખેડૂત સંગઠન એ આવેદન પત્ર આપીને દીવાળી પહેલા ટેકાના ભાવે ખરીફ પાક ની ખરીદી ચાલુ થાય તેવી માંગ દોહરાવી*
તલોદ. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેત સીમાડા ઓ માં પણ તૈયાર થઈ પડેલ ખરીફ ખેત ઉત્પાદનો ની ખરીદી સરકારે નિયત કરેલા ટેકા ના ભાવે દિવાળી પહેલાં જ ખરીદ કરવામાં આવે તેવી માંગ ખેડૂત સંગઠને કરી છે . ટેકા ના ભાવે માલ ખરીદવાની કાર્યવાહી દિવાળી બાદ એટલેકે લાભપાંચમ બાદ શરૂ થશે તેવી જાહેરાત થઈ હોવાનું જાણવા મળેલ છે.
પરંતુ અહી સ્થિતિ એવી નિર્માણ થયેલ છે કે મગફળી, કપાસ, સોયાબીન, બાજરી,મકાઈ અને અડદ જેવા પાક નું વાવેતર જૂન માસ માં કરવામાં આવ્યું હતું.જે પાક હાલ તૈયાર થઈ જતાં તેની લણણી કરીને લઇ લેવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે .વારંવાર કુદરતી આપત્તિઓ ત્રાટકીને ખરીફ પાકો ને ભારે નુકશાન કરે છે .હજુ પણ વરસાદી ઝાપટા ત્રાટકવાની આગાહી ને પગલે ખેડૂત પરિવારો ભારે આફત રૂપી ભય ના ઓથરમાં દિવસો વિતાવી રહ્યા છે .નાના ગજા ના ખેડૂતો પાસે માલ સંગ્રહ કરવા માટેની ચોક્કસ અને સલામત વ્યવસ્થા નહિ હોવા થી તેઓ બને તેટલી ઝડપે માલ બજારો માં વેચી દેવા હાંફળા ફાંફડા બન્યા છે .આ ખેત પેદાશો ના ટેકા ના ભાવ તો સરકારે જાહેર કરેલ છે પણ તે મુજબ અત્યારે ખરીદી નહિ થતી હોઇ સહજ ભાવે નીચા ભાવમાં માલ વેચતા ખેડૂતો નાહકના છોલાઈ રહ્યા છે.
ટેકા ના નિયત ભાવ કરતાં ઘણા ઓછા ભાવે ખેત ઉત્પાદનો વેચી દેવાની નોબત ઉત્પાદકો માટે ભારે કફોડી પુરવાર થઈ રહી છે .
ખેડૂતો ની આ વેદના ને વાચા આપવા ભારતીય કિસાન સંઘ સમિતિ તલોદ તાલુકાના પ્રમુખ કોદર ભાઈ લાખાભાઇ પટેલ એ મામલતદાર ને સરકાર જોગ એક આવેદન પત્ર આપીને , માંગ કરી છે કે, મગફળી અને ડાંગર ની ખરીદી સરકાર દિવાળી પહેલા શરૂ કરાવે તે ઇચ્છનીય છે.કારણ દિવાળી ના તહેવાર અને વહેવાર માટે ખેડૂત પરિવારો ને નાણાં ની તાતી જરૂરીયાત હોઇ જે તે ભાવે જણસો વેચવા મજબૂર બન્યા છે.