APMCમાં ટેકાના ભાવથી નીચા ભાવે વેચાઈ રહી છે મગફળી, વેપારીઓએ ગેરલાભ ઉઠાવ્યો

APMCમાં ટેકાના ભાવથી નીચા ભાવે વેચાઈ રહી છે મગફળી, વેપારીઓએ ગેરલાભ ઉઠાવ્યો
  • વાવેતર વધુ થયું, પરંતુ ઉતારા 30થી 35 ટકા ઓછા
  • મોટાભાગની મગફળીનું વેચાણ નીચા ભાવે
  • રૂ. 1356ના ટેકાના ભાવે સરકાર ત્વરિત ખરીદી શરૂ કરે
  • મગફળી ભેજવાળી હોવાનું જણાવીને ખેડૂતોને ઓછા ભાવ આપવાની વેપારીઓની કવાયત ચાલું 

મગફળીનું વાવેતર સારુ રહ્યું હોવા છતાંય વરસાદની અનિયમિતતા અને કસમયના વરસાદને પરિણામે મગફળીને 30થી 40 ટકા કે 50 ટકા સુધીનું નુકસાન થયું હોવા છતાંય બજારમાં સપ્લાય વધતા તેના ભાવ ટેકાના મણદીઠ રૂ. 1356ના ભાવ કરતાં નીચા ભાવ બોલાઈ રહ્યા છે.

મોટાભાગની મગફળી રૂ.1140થી 1350ની નીચેના ભાવે વેચાઈ રહી છે. ભાગ્યેજ કેટલીક સારી ગુણવત્તાની મગફળી ગણીને તેના માટે રૂ. 1351થી માંડીને રૂ. 1505ના ભાવ ઓફર કરવામાં આવી રહ્યા છે. આ સંજોગોમાં ખેડૂતોને ઓછા ભાવે માાલ વેચવો ન પડે અને વેપારીઓ સમય જતાં તગડો નફો ન કરે તે માટે સરકારે ટેકાના ભાવથી ખરીદી વહેલી શરૂ કરી દેવી જોઈએ. મળતી માહિતી મુજબ સરકાર રૂ. 1356ના મણદીઠ ભાવે અંદાજે 9.98 લાખ મેટ્રિકટન મગફળી ખરીદવાની જાહેરાત કરી છે.

પહેલી ઓક્ટોબરથી મગફળીનો સપ્લાય ચાલુ થઈ ગયો હતો, પરંતુ આરંભમાં મગફળી ભેજવાળી હોવાની દલીલ આગળ કરીને વેપારીઓ ખેડૂતો પાસેથી માંડ રૂ.1100ના મણદીઠ ભાવથી મગફળીની ખરીદી કરી લેતા હોવાનું જોવા મળ્યું છે. દિવાળી પૂરી થતાં લગનગાળો શરૂ થતાં મગફળી વેચવા સિવાય ખેડૂતો પાસે અન્ય કોઈ જ ચારો ન હોવાથી મળ્યા તે ભાવે મગફળી વેચી રહ્યા છે. તેનો ગેરલાભ વેપારીઓ ઊઠાવી રહ્યા છે. અત્યારે પણ મગફળી ભેજવાળી હોવાનું જણાવીને ખેડૂતોને ઓછા ભાવ આપવાની કવાયત ચાલુ જ છે.

ઉત્તર ગુજરાતમાં મગફળીના પાકને ઓછું તો સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને પોરબંદરમાં મગફળીના પાકને 50 ટકાની આસપાસનું નુકસાન થયું છે. આ સ્થિતિમાં ખેડૂતોને સારા ભાવ મળવા જોઈએ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ બી.કે. કિકાણીનું કહેવું છે કે રાજકોટ, સુરેન્દ્રનગર તરફ ઓછું નુકસાન થયું છે. પાંચેક ટકા ખેડૂતોના ખેતરમાં બમ્પર ઉત્પાદન થયું છે. પરંતુ જૂનાાગઢ, અમરેલી, પોરબંદર અને ઘેડ વિસ્તારમાં મગફળીના મોટાભાગના પાકનું ધોવાણ થયેલું છે.

તેથી આ વરસે મગફળીના ઉતારા ઓછા રહેવાની સંભાવના છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ રહેતા અને તડકો ન મળવાને પરિણામે પણ મગફળીના વિકાસ પર અવળી અસર પડી છે. છતાં આજની તારીખે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી.

ડીસા APMCના સેક્રેટરી અમૃત જોશી કરે છે કે અત્યાર સુધીમાં APMCમાં 9,62,978 બોરી મગફળીનો પુરવઠો આવી ચૂક્યો છે. ગયા વરસે 22.88 લાખ બોરીનો સપ્લાય આવ્યો હતો. તેની સામે આજે ગોંડલમાં મગફળી વેચવા માટે બહુ જ મોટી લાઈન લાગી હતી અને એક જ દિવસમાં અંદાજે એક લાખ બોરીની આવક થઈ હતી.

મગફળીના કુલ ઉત્પાદનમાંથી 60 ટકા મગફળી પીલાણમાં જાય છે. તેમાંથી તેલ કાઢીને માર્કેટમાં મૂકવામાં આવે છે. 15 ટકાની આસપાસ મગફળી બિયારણ માટે અલગ તારવવામાં આવે છે. તેમ જ 20 ટકા મગફળીની નિકાસ પણ થાય છે. વિશ્વના ચીન, બ્રાઝિલ, આર્જેન્ટિના, વિયેતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ, તુર્કસ્તાન, બેલારૂસ, રશિયા અને યુક્રેનમાં મગફળીની નિકાસ પણ થાય છે.

બજાર ખુલતા ખાદ્યતેલોમાં રૂ।.10થી 85નો વધારો
ગત તા.31થી ગઈકાલ તા.5 સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રની તેલબજારોમાં દિવાળી વેકેશન બાદ આજે લાભપાંચમથી યાર્ડની સાથે તેલબજારમાં પણ સોદા શરુ થયા હતા. ખુલતાવેંત ખાદ્યતેલોના ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. જેમાં સિંગતેલમાં વધુ રૂ।.10,કપાસિયામાં રૂ।.50 અને પામતેલમાં સીધો રૂ।.85નો વધારો કરી દેવાયો છે. સાઈડતેલો પર આયાત ડયુટી વધ્યા પૂર્વે તા.13 સપ્ટેમ્બરના 15 કિલો કપાસિયા તેલનો નવો ડબ્બો રૂ।.1830-1880ના ભાવે અને પામતેલ રૂ।.1680-1685ના ભાવે વેચાતું હતું. આજે કપાસિયા તેલમાં 50ના વધારા સાથે નૂતન વિક્રમ સંવંતના પ્રથમ સોદા રૂ।.2230-2280ના ભાવે પડયા હતા. જ્યારે પામતેલ રૂ।.2150-2155ના ભાવ નોંધાયા છે.


આ પણ વાંચોઃ ઊંઝા માર્કેટયાર્ડની ત્રીજી મતદાર યાદી જાહેર, 1106 મતદારોનો સમાવેશ

આ પણ વાંચોઃ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ

CATEGORIES
TAGS
Share This