રવિ સીઝનની શરૂઆતમાં જ DAP ખાતરની અછત થતાં ખેડૂતો ચિંતિત
- કિસાનોની જેમ કર્મચારીઓએ કૃષિની પૂર્વ તૈયારી કરી નથી
- સરકારી હેલ્પલાઈન શોભાના ગાંઠિયા જેવી
- ડીએપી ખાતરના વિકલ્પે જૈવિક ખાતરના નામ પર છાણ જ વેચાતુ હોવાની શંકા
રાજકોટ: ગુજરાતમાં ગત ચોમાસામાં ધોધમાર વરસાદના પગલે હવે કૃષિની રવિ સીઝન શરુ થઈ રહી છે, અને હાલ શિયાળુ પાક માટે પર્યાપ્ત ઠંડી નહીં હોવાથી અને સાથે સોયાબીન,મગફળી સહિતની ઉપજના વેચાણમાં ખેડૂતો વ્યસ્ત હોય વાવેતર મંદ છે પરંતુ, દેવદિવાળી પછી વાવણીને વેગ મળશે. આ સ્થિતિમાં ખેડૂતોને ફરી એક વાર ખાતરની ખોટ વર્તાઈ રહી છે અને ખેડૂતોએ જણાવ્યું કે આ તંગી કૃત્રિમ રીતે સર્જાઈ છે.
રાજ્યમાં અને વિશ્વભરમાં મોટાભાગે ડીએપી અર્થાત્ ડાયમોનિયમ ફોસ્ફેટ ખાતરનો ઉપયોગ કૃષિ માટે થતો રહ્યો છે. બીજા નંબરે એનપીકે ખાતર વપરાતું હોય છે. આ ખાતર સહકારી મંડળીઓ મારફત વિતરણ થતું હોય છે અને ખેડૂતોના જણાવ્યા મૂજબ પ્રતિ હેક્ટર 120થી 140 કિલો ખાતરની જરૂરિયાત રહેતી હોય છે. ગુજરાતમાં શિયાળાની એટલે કે રવિ ઋતુમાં સરેરાશ 46 લાખ હેક્ટરમાં ઘંઉ સહિત વાવણી થતી હોય છે.
દર વર્ષે દિવાળી પછી રવિ ઋતુ શરુ થાય છે અને કેટલા હેક્ટરમાં વાવણી થશે, કેટલા ખાતરની જરૂરિયાત પડશે તેની માહિતી અગાઉથી ઉપલબ્ધ હોવા છતાં સરકારી તંત્ર તેની પૂર્વ તૈયારી કરવામાં જાણી જોઈને નિષ્ફળ જતી હોય છે તેમ ખેડૂતોએ રોષભેર જણાવ્યું છે.
કિસાન મોરચાના નેતા પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે ખેડૂતો જેમ રવિ પાકની આગોતરી તૈયારી કરતા હોય છે તેમ સરકારના નેતાઓ અને અફ્સરો કેમ નથી કરતા. તેમણે ઉમેર્યું કે સરકારે જે હેલ્પલાઈન જારી કરી છે તેમાં ખેડૂતોને ખાતરની માહિતી માટે કોઈ હેલ્પ મળતી નથી, કારણ કે હેલ્પ કરનારને જ ખબર નથી શુ સ્થિતિ છે. ખાતર ખેડૂતો સુધી પહોંચ્યું નથી અને કારખાનાઓમાં પહોચી જાય છે.
તો બીજી તરફ, હવે ઓર્ગેનિક ખેતીનું ચલણ વધતું જાય છે ત્યારે ઓર્ગેનિક કે જૈવિક ખાતરનું વેચાણ પણ રૂ.500થી 900ના ભાવે થવા લાગ્યું છે. આ અંગે કિસાન નેતા વિઠ્ઠળભાઈ દુધાત્રાનો સંપર્ક સાધતા જણાવ્યું કે આ જૈવિક ખાતર કેટલુ અસલી અને કેટલુ ડુપ્લિકેટ કે ભળતું તે અંગે સવાલો છે. અંદર શુ કન્ટેન્ટ છે તે જણાવાતું નથી. જે પોષક તત્વોની વાતો થાય છે તે તો ગાયના છાણમાં પણ હોય છે જે ઢગલા મોઢે નજીવા ભાવે ગૌશાળા કે પાંજરાપોળથી મેળવી શકાય છે. આ જૈવિક ખાતરમાં ખરેખર શુ છે તે દર્શાવવા ચૂસ્ત નિયમો હોય તો ખેડૂતો વિકલ્પ તરીકે આ ખાતર વાપરતા છેતરાય નહીં.
આ પણ વાંચોઃ જગતના તાતની મુસીબતનો પાર નથી, એક બાજુ નાણાંભીડ ને બીજી બાજુ DAP ખાતરની અછત
આ પણ વાંચોઃ APMCમાં ટેકાના ભાવથી નીચા ભાવે વેચાઈ રહી છે મગફળી, વેપારીઓએ ગેરલાભ ઉઠાવ્યો