ખેડૂતો માટે કપાસના ભાવ 175 ઘટયા, છતાં કપાસિયા તેલના ભાવ 500 વધ્યા
- કપાસના ઓછા ભાવ છતાં તેલના ભાવ ઉંચા હોવાની ફરિયાદ
- મોંઘવારીની રમતઃ 15 કિલો કપાસિયા તેલનો ડબ્બો રૂ.1800થી વધીને રૂ.2300નો થયો
- 20 કિલો કપાસના ભાવ રૂ.1700થી ઘટીને 1550 !
રાજકોટ :ખાદ્યતેલોના ભાવ ઉપર સરકારી તંત્રની કોઈ લગામ જ ન હોય ભાવમાં કૃત્રિમ વધઘટ અને ખાસ તો વધારો કરવાનો જાણે કે પીળો પરવાનો આપી દેવાયો છે. હાલ માર્કેટ યાર્ડમાં ઢગલામોઢે કપાસ ઠલવાઈ રહ્યો છે અને તેના ભાવ ગત બે માસ પહેલા જે હતા તેમાં સરેરાશ રૂ.175 જેટલો ઘટાડો થયો છે, એટલે કે ખેડૂતોને એટલા ઓછા ભાવ મળે છે પરંતુ, તેની સામે કપાસિયા તેલના ભાવમાં બે માસમાં રૂ.500નો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે.
આજે તા.8 નવેમ્બરે તેલ બજારમાં કપાસિયા તેલમાં રૂ.20નો વધારો થતા પ્રતિ 15 કિલો તેલનો ડબ્બો રૂ.2250થી 2300ના ભાવે સોદા થયા હતા. આ જ કપાસિયા તેલનો ભાવ તા.9 સપ્ટેમ્બરે રૂ.1770-1800નો હતો એટલે કે બે માસમાં પૂરા રૂ.પાંચસોનો વધારો થયો છે.
જ્યારે રાજકોટ યાર્ડમાં કપાસના ભાવ તા.9 સપ્ટેમ્બરના દિવસે રૂ.1550-1722 હતા તે આજે બે માસ પછી અને કપાસની સીઝનમાં તા.8 નવેમ્બરે ઘટીને રૂ.1375-1550 થયો છે. એટલે કે રૂ.175નો ઘટાડો થયો છે. માંગ-પૂરવઠા મૂજબ કપાસિયા તેલના ભાવ પણ ઘટવા જોઈએ તેના બદલે માત્ર વધ્યા નથી પણ બેફામ વધ્યા છે.
આ જ રીતે મગફળીના આ વર્ષે મબલખ 58 લાખ ટનના ઉત્પાદનના પગલે તેના ભાવ પણ દબાયા છે પરંતુ, આમ છતાં સિંગતેલમાં ધીમી ગતિએ તેમાં વધારો કરાતો રહે છે.
આ પણ વાંચોઃ રવિ સીઝનની શરૂઆતમાં જ DAP ખાતરની અછત થતાં ખેડૂતો ચિંતિત
આ પણ વાંચોઃ APMCમાં ટેકાના ભાવથી નીચા ભાવે વેચાઈ રહી છે મગફળી, વેપારીઓએ ગેરલાભ ઉઠાવ્યો