કપડવંજ તાલુકાના ખેડૂતો ખરીફ પાકના ટેકાની ખરીદીથી વંચિત
- ટેકનિકલ ખામીથી ખેડૂતો નોંધણી ન કરાવી શક્યા
- ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર રજિસ્ટ્રેશન સમયે લેન્ડ નોટ ફાઉન્ડ, બીજા ખેડૂતના ખાતા નંબર બતાવતા હતા
ગુજરાતમાં ગત તા.11 નવેમ્બરથી 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે ટેકાના ભાવે મગફળી, મગ, સોયાબીન સહિતની જણસીની ખરીદી શરૂ થઇ છે. ટેકાના ભાવે વેચાણ માટે 3,33,000થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી.
જોકે, કપડવંજ તાલુકાના ઘણા ખેડૂતો ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ટેકનિકલ ખામીના કારણે નોંધણી કરાવી શક્યા નહતા. ખેડૂતોને ટેકાના ભાવનો લાભ મળે તે માટે સરકારને રજૂઆત કરી છે.
સરકાર દ્વારા ખેડૂતોને ઉપજોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી ચાલુ વર્ષ 2024-25 માટે ખરીફ તુમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનાં પાક માટે તા.11મી નવેમ્બરથી ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવામાં આવી છે. ખરીદી અંગે ઓનલાઈન નોંધણી માટે તા.10 નવેમ્બર છેલ્લો દિવસ હતો. જેના માટે ખેડૂતો ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઇ. મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી વિનામૂલ્યે ઓનલાઇન કરાવવાની હતી.
જોકે, કપડવંજ તાલુકાના હમીરપુરા, જલોયા, ખલવાડા, આંતરસુંબા સહિતના અન્ય ગામડાઓના ખેડૂતોને ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી સમયે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જેના કારણે ખેડૂતો ઓનલાઇન નોંધણી કરાવી શક્યા નહતા. ઓનલાઇન નોંધણી કરાવતી સમયે ખેડૂતોના ખેતરનો સર્વે નંબર નાખવામાં આવે ત્યારે લેન્ડ નોટ ફાઉન્ડ અથવા બીજા ખેડૂતના ખાતા નંબર આવતા હતા. આ અંગે વીસીઈ, ટીએલઈ અને ડીએલઈએ જણાવ્યું હતું કે, ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર તકનીકી ખામી કે અન્ય કારણોસર રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી આવી રહી છે.
ઓનલાઇન રજિસ્ટ્રેશનથી વંચિત રહી ગયેલા ખેડૂતોને હાલ ટેકાના ભાવ કરતા નીચા ભાવે મગફળી સહિતની પાક વેચવાનો વારો આવ્યો છે. એક તો પાછોતરા વરસાદના કારણે ખેડૂતોની દશા બેસાડી છે, ત્યારે હવે ટેકાના ભાવનો લાભ નહીં મળતા ખેડૂતોને પડયા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. ખેડૂતોને ટેકાના ભાવનો લાભ મળે તે માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સાવલી તાલુકાના ખેડૂતો રવી પાકને બચાવવા ડીઝલ પંપના સહારે, કેનાલમાં પાણી છોડવા માગ
આ પણ વાંચોઃ હિંમતનગરના ખરીદી કેન્દ્રમાં 4 દિવસમાં 2,346 બોરી મગફળીની આવક થઇ