કેશોદના બાલાગામના ખેડૂતે આર્થિક સંકડામણમાં આત્મહત્યા કરી
- અતિવૃષ્ટિના કારણે પાક ધોવાઈ જતાં ખેડૂત આર્થિક સંકડામણમાં મુકાયા હતા
- ઘરે જ ગળેફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લીધી, વધુ એક ખેડૂતના આપઘાતથી અરેરાટી
જૂનાગઢ | કેશોદ તાલુકાના બાલાગામ ઘેડમાં રહેતા ખેડૂતની જમીન પૂરના પાણીમાં ધોવાઈ ગઈ હતી. પાક નિષ્ફળ જતા આથક સંકડામણ થઈ ગઈ હતી. જેનાથી કંટાળી ગઈકાલે તેઓએ ગળેફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
(નોંધ: આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની ‘જિંદગી હેલ્પલાઇન 1096’ પર કે ભારત સરકારની ‘જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330’ પર ફોન કરી શકો છો. )
આ અંગેની વધુ વિગત મુજબ કેશોદ તાલુકાના બાલાગામમાં રહેતા અશોકભાઇ રણછોડભાઈ કુંભાણી (ઉ.વ.50)એ પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું પરંતુ આ વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પૂર આવતા જમીનનું ધોવાણ થઈ ગયું હતું અને પાક નિષ્ફળ ગયો હતો. વાવેતરમાં કરેલો ખર્ચ તો માથે પડવા ઉપરાંત જમીનનું ધોવાણ થઈ જતા અશોકભાઈ મૂંઝવણમાં રહેતા હતા.
પાકની ઉપજ કઈ થઈ ન હોવાથી તેઓ આથક સંકડામણમાં આવી ગયા હતા. જેનાથી કંટાળી જઇ ગઈકાલે તેઓએ ગળેફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લીધી હતી. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી. આ અંગે કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.એલ. ભારાઇએ જણાવ્યું હતું કે, અશોકભાઈની જમીનનું ધોવાણ થતા તેઓ આથક સંકડામણમાં આવી ગયા હતા અને તેના કારણે આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ નિવેદનમાં લખાવ્યું છે.
થોડા દિવસો પહેલા કેશોદ તાલુકાના શેરગઢમાં એક ખેડૂતે પાક નિષ્ફળ જતા જીંદગી ટૂંકાવી લીધી હતી. જ્યારે વધુ એક ખેડૂતે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવે છે પરંતુ તેમાં અનેક મર્યાદાઓના કારણે ખેડૂતોને નુકસાનનું પૂરતું વળતર મળતું નથી. આથી સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરી ખેડૂતો અંતિમ પગલું ભરતા અટકે એ માટેની વ્યવસ્થા કરે એવી માગ ઉઠી છે.