ઉપલેટા તાલુકાના ખેડૂતોને સમયસર ખાતર પુરૂ પાડોઃ કિસાન સંઘ

ઉપલેટા તાલુકાના ખેડૂતોને સમયસર ખાતર પુરૂ પાડોઃ કિસાન સંઘ
  • સોયાબીનની ટેકાની ખરીદીનું કેન્દ્ર આપવા રજૂઆત
  • 11 નવેમ્બરથી સોયાબીન ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત થઇ પણ અમલ ન થતાં નીચા ભાવે વેચવાની નોબત

ઉપલેટા | રવિ પાકની વાવણીની જોરશોરથી તૈયારી થઇ રહી છે ત્યારે સરકારી મંડળીઓ, ઓપન મારકેટમાં ડાઇ એમેનિયમ ફોસ્ફેટ તથા એમપીકે રાસાયણિક ખાતર મળતું ન હોવાથી ખેડૂતો ખાતર મેળવવા સતત દોડધામ કરી રહ્યા છે. આ ઉપરાંત સરકારે 11મીથી સોયાબીન પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવા છતાં આજ સુધી ચાલુ ન થતા ઉપલેટામાં ખરીદી કેન્દ્ર આવી વ્યવસ્થા કરવા ગુજરાત કિશાન સભાએ માગણી કરતું આવેદનપત્ર મામલતદારને આપ્યું છે.

અતિવૃષ્ટિ સતત વરસાદ અને કમોસમી માવઠાના વરસાદથી ખેડૂતોના ખરીફ પાક મગફળી સોયાબીન કપાસ કઠોળ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ કરેલા ખર્ચાઓ પણ ખેત પેદાશો માંથી નીકળી રહ્યા નથી ત્યારે ખેડૂતોનો રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે.

ખેડૂતોએ ખેતીના પાકના કરેલા ખર્ચાઓ પણ માથે પડયા છે તેવા સમયે ખેડૂતોની આશા રવી પાક ઘઉં, ચણા, ધાણા, જીરું, રાયડા, દિવેલા અને તુવેરના પાકો ઉપર બંધાણી છે. ખેડૂતોને રવી પાક ઘઉં ચણા, ધાણાજીરુંના વાવેતર કરવા માટે જરૂરી પાયાના ખાતરો DAP અને એનપીકે ઉપલબ્ધ થતા નથી.

ખેડૂતો ખાતર મેળવવા લાંબી લાઈનો લગાડે છે પરંતુ ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી. આ વર્ષે સાર્વત્રિક વરસાદથી પૂરતી પાણીની સગવડતા હોય ખેડૂતો રવિ પાકનું વધુ વાવેતર કરશે તે નિશ્ચિત હોવા છતાં સરકારે રાસાયણિક પાયાના ખાતરો DAP અને NPK ખેડૂતોને મળી રહે તેવું આગોતરા આયોજન થયું નથી તેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે.

ગુજરાત કિસાન સભાના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી, મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પત્રમાં ખેડૂતોને સમયસર DAP અને NPK ખાતર મળી રહે તે અંગે સરકારે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ એવી માગ કરી છે.

ખેડૂતોએ સોયાબીનની ટેકાના ભાવે ખરીદ કરવા માટેનું કેન્દ્ર આજ દિવસ સુધી શરૂ થયું નથી. 11 નવેમ્બરથી ખરીદ કરવાની જાહેરાત કરી હોવા છતાં ખેડૂતોના સોયાબીનની ટેકાના ભાવે ખરીદ થતી નથી તેના પરિણામે ખેડૂતોને ખુલ્લા બજારમાં ટેકાથી નીચા ભાવે સોયાબીન વેચવા મજબૂર થવું પડે છે. તાત્કાલિક સોયાબીનના ભાવે ખરીદીના કેન્દ્ર શરૂ કરવામાં આવે એ અંગેનું આવેદનપત્ર ગુજરાતના કૃષિ મંત્રીને પાઠવવામાં આવ્યું છે.


આ પણ વાંચોઃ વડોદરા જિલ્લામાં DAP ખાતરની તીવ્ર અછત, ચોમાસામાં ફટકો પડ્યા બાદ રવિ પાક પર પણ સંકટ

આ પણ વાંચોઃ રવિ સીઝનની શરૂઆતમાં જ DAP ખાતરની અછત થતાં ખેડૂતો ચિંતિત

CATEGORIES
TAGS
Share This