ગુજરાતમાં રવિ વાવેતરનો ધમધમાટ સપ્તાહમાં 4.60 લાખ હેક્ટરમાં વાવણી
- એક બાજુ લગ્નની અને બીજી તરફ ખેતીની સીઝન ખુલી
- ડુંગળી-બટેટાનું ઉત્સાહભર્યું વાવેતર, શેરડી, ઘંઉ, ચણા સહિતનું વાવેતર પૂરજોશમાં
- સૌરાષ્ટ્રમાં 2.89 લાખ સહિત 7.69 લાખ હેક્ટરમાં વાવણી
રાજકોટ | ગુજરાતમાં બે દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને હજુ ઠંડી વધવાની આગાહી છે ત્યારે વાવણીનો ધમધમાટ પૂરજોશમાં ચાલુ થયો છે. દિવાળી પછી નવેમ્બરની તા.4 સુધીમાં ગરમ હવામાનના કારણે માત્ર 38 હજાર, તા.11 સુધીમાં 3.08 લાખ હેક્ટરમાં અને આજે તા.18-11-2024 સુધીમાં રાજ્યમાં 7,68,543 હેક્ટરમાં વાવેતર થયું છે એટલે કે સપ્તાહમાં 4.60 લાખ હે.થી વધુ જમીન ખેડીને બીજ રોપી દેવાયા છે અને હવે આ આંકડો શિયાળાની જમાવટ સાથે વધતો જશે.
રાજ્યમાં રવિ સીઝનમાં ખેડૂતો આશરે 46 લાખ હેક્ટરથી વધુ જમીનમાં ઘંઉ, ચણા, શેરડી, તમાકુ, લસણ, જીરુ,ધાણા, સવા, ઈસબગુલ, વરિયાળી, ડુંગળી, બટાટા વગેરેનું વાવેતર કરતા હોય છે. હાલ માર્કેટમાં ડુંગળી-બટાટાના ભાવ ગગડયા નથી તેના પગલે તેના વાવેતરમાં ઉત્સાહ જણાયો છે અને ગત વર્ષે ડુંગળીનું 22,746 સામે આ વર્ષે 27,045 હેક્ટરમાં અને બટાટાનું 35,723 સામે આ વર્ષે 37,545 હેક્ટરમાં વાવેતર થયુ છે. આ ઉપરાંત શેરડી, ઘંઉ, ચણા, તેમજ તમાકુ,શાકભાજી સહિતના વાવેતર પણ ઉત્સાહ જોવા મળ્યું છે.
એક તરફ હાલ લગ્નની સીઝન પૂરબહારમાં ખિલી છે અને બીજી તરફ ખેડૂતોની કાર્યવ્યસ્તતા વધારે તેવી બે પ્રકારની સીઝન એક તો રવી પાકનું વાવેતર અને બીજી તરફ ગત ચોમાસામાં વાવેલ અને હાલ તૈયાર થયેલા મગફળી સહિતના પાકો યાર્ડમાં વેચવાનો ધમધમાટ શરુ થયો છે.
રાજ્યમાં આજ સુધીમાં કૂલ 7.69 લાખ હેક્ટર પૈકી સૌરાષ્ટ્રમાં 2.89 લાખ હેક્ટરનું વાવેતર થયું છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે ચણાનું 1.16 લાખ હેક્ટરમાં અને ઘંઉનું 64600 હેક્ટરમાં તે ઉપરાંત વરિયાળી, ધાણા, જીરુ વગેરેનું વાવેતર થયું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં શેરડી અને અન્ય કઠોળનું વાવેતર અને આણંદ જિલ્લામાં તમાકુ, બનાસકાંઠા જિલ્લામાં મસ્ટર્ડ (રાયડો) અને બટાટા, રાજ્યભરમાં શાકભાજીનું વાવેતર મુખ્ય છે.