ખેતીની જમીન ધારણ કરતા ખેડૂતો માટે ખરાઈ પ્રમાણપત્ર મેળવવાની માર્ગદર્શક સૂચનાઓ

ખેતીની જમીન ધારણ કરતા ખેડૂતો માટે ખરાઈ પ્રમાણપત્ર મેળવવાની માર્ગદર્શક સૂચનાઓ
  • લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)
  • ખેડૂત ખરાઈ પ્રમાણપત્રના રૂ.2000/- ફી વ્યાજબી નથી. જે અંગે રાજ્ય સરકારે પુનઃવિચારણા કરવી જરૂરી

ખેતીની જમીન નિયંત્રિત કરતા કાયદાઓમાં જમીન મહેસૂલ અધિનિયમ તેમજ ગુજરાત ખેતવિષયક ગણોત અધિનિયમની જોગવાઈઓ અસ્તિત્વમાં છે. સામાન્ય રીતે આ કાયદાઓમાં ખેડૂતોની જમીન ઉપરના હક્ક અને તેઓને રક્ષણ આપતી જોગવાઈઓ છે. આઝાદી પહેલાં ખેતી ઉપર નભતા અને વંશપરંપરાગત રીતે ખેતી કરતી વ્યક્તિઓને આઝાદી બાદ જમીન ઉપરના કબજેદાર તરીકેના હક્ક આપવામાં આવ્યા કે જે વંશપરંપરાગત ખેડૂત તરીકેનો દરજ્જો મેળવવામાં આવ્યો છે.

ગણોતધારાની કલમ-63માં ‘ખેડૂત’ના (Agriculturist) દરજ્જાની જોગવાઈઓ છે અને જેમાં ખેડૂત સિવાય અન્ય વ્યક્તિઓ ખેતીવિષયક જમીન કલેક્ટરની પરવાનગી સિવાય ધારણ ન કરી શકે તેવી જોગવાઈઓ છે. ગુજરાતમાં 1999 સુધી ગણોતધારાની કલમ-2(2) અને 2(6)ની જોગવાઈઓ પ્રમાણે ગુજરાતમાં 8 કિ.મી.ની મર્યાદામાં જમીન ધારણ કરી શકાતી હતી એટલે કે જાતખેતીની વ્યાખ્યા હતી.

ખેડૂત અંગેના નિયંત્રણો સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌરાષ્ટ્ર ઘરખેડ ઓર્ડીનન્સની કલમ-54 તેમજ કચ્છમાં પણ આ અંગે અલગ જોગવાઈ છે. ગણોતધારામાં 1999માં 8 કિ.મી.ની મર્યાદા દૂર કરતાં રાજ્યનાં કોઈ પણ ભાગનો ખેડૂત ખેતીની જમીન ખરીદ કરી શકે એટલે બીજા જિલ્લામાં કે તાલુકામાં ખેતીની જમીન ખરીદ કરે ત્યારે હક્કપત્રકમાં નોંધ પાડતી વખતે જમીન ખરીદનાર અસલ ખેડૂત છે કે કેમ તેની ખાત્રી કરવાની થાય એટલે આ અંગે સરકારે ખેડૂત પ્રમાણપત્ર આપવા માટે મામલતદારને અધિકૃત કરતા હુકમો કરેલ હતા અને જેમાં જમીન ધારણ કર્યા ત્યારથી તમામ નોંધો ખાત્રી કરીને ખેડૂત પ્રમાણપત્ર આપવામાં આવતું હતું.

અગાઉ અને આજે પણ ઘણા ઈસમો બિનખેડૂત તરીકે ખેતીની જમીન ખરીદીને ખેડૂત બનેલ તેવાની સામે ગણોતધારાની કલમ-63ના ભંગ બદલ-84 (સી) પ્રમાણેની કાર્યવાહી ચાલુ છે અને ન્યાયિક પ્રક્રિયા ચાલુ હશે. ગુજરાતમાં હવે સુપ્રિમકોર્ટના આદેશ પ્રમાણે કોઈપણ બિનખેડૂત વીલ એટલે કે વસિયતનામા હેઠળ કાયદેસર રીતે ખેતીની જમીન ધારણ કરી શકતો નથી.

રાજ્યમાં મહેસૂલી રેકર્ડનું કમ્પ્યુટરાઈઝેશન-2004થી કરવામાં આવ્યું. ખેતવિષયક જમીનની ખરીદીના પ્રસંગોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું થાય છે અને તે મુજબ રજીસ્ટ્રેશન અંતર્ગત ઓનલાઈન ઈ ધરા કેન્દ્રમાં નોંધ પાડતી વખતે દસ્તાવેજ આધારે નોંધ પાડવાના સમયે પ્રાથમિક તબક્કે સર્ચ ટાઈટલના ભાગરૂપે પ્રાથમિક દ્રષ્ટિએ ખેડૂત ખાતેદારના પુરાવા ધ્યાનમાં લેવામાં આવે છે.

પરંતુ એક તાલુકામાંથી કે એક જીલ્લામાંથી બીજી જગ્યાએ ખેતીની જમીન ખરીદવામાં આવે ત્યારે હવે રેકર્ડ કમ્પ્યુટરાઈઝેશન થવાથી ઓનલાઈન પણ ઉપલબ્ધ છે એટલે સબંધિત મહેસુલી અધિકારી દ્વારા ખાત્રી પણ કરી શકાય છે. પરંતુ આધારભુત દસ્તાવેજ રજૂ કરવાના ભાગરૂપે સરકારે ખેડૂત પ્રમાણપત્ર રજૂ કરવા માટે સરકારે હુકમો કર્યા છે.

અગાઉ આ પ્રમાણપત્ર મામલતદાર દ્વારા આપવામાં આવતું હતું અને સરકારની માર્ગદર્શક સુચનાઓ મુજબ નોંધ પ્રમાણિત અધિકારીએ ઓનલાઈન સિસ્ટમના માધ્યમથી હક્કપત્રકનોંધની ખરાઈ કરવાની છે અને તે મુજબ પ્રમાણિત કરવાની છે, પરંતુ બિનખેડૂત વ્યક્તિઓ ખોટી રીતે ખેતીની જમીન ન ખરીદે અને નોંધ પ્રમાણિત ન થાય એટલે ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની જોગવાઈઓ કરી છે.

તાજેતરમાં સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તા.31-7-2020ના પરિપત્રક્રમાંક – ગણત-102020-42-ઝ અન્વયે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રની પધ્ધતિ ઓનલાઈન કરવામાં આવી છે. જેમાં અગાઉ જે પધ્ધતિ નક્કી કરવામાં આવેલ તેના બદલે સબંધિત જિલ્લાના પ્રાન્ત અધિકારીને ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર આપવા માટે અધિકારો આપેલા છે અને આ ઓનલાઈન અરજી સાથે માહિતી સબંધિત અરજદાર ખેડૂતે રજૂ કરવાની છે અને જેમાં સોગંદનામા સિવાય કોઈ આધારપુરાવા જેમ કે 7/12, 8અ હક્કપત્રક નોંધોની નકલ રજૂ કરવાની થતી નથી.

મહેસૂલ વિભાગના ઓનલાઈન પધ્ધતિના I0RA વેબસાઈટ ઉપર અરજીની વિગતો ડાઉનલોડ કરીને વિગતો સાથે નિયત નમુનામાં અરજી કરવાની છે અને તે મુજબ સબંધિત અરજદારને અરજી મળ્યાની સ્વીકૃતિ ઈમેલ / મેસેજથી આપવામાં આવશે. અગાઉ પ્રાન્ત અધિકારીના શિરસ્તેદારને આ કાર્યવાહી શરૂ કરવાના અધિકારો રાખવામાં આવેલ હવે ફક્ત તેઓ દ્વારા ચકાસણી કરીને પ્રાન્ત અધિકારીને Login કરીને પ્રાન્ત અધિકારીએ 10 દિવસમાં નિર્ણય લેવાનો છે. આમ સમગ્ર પ્રક્રિયામાં 1૫ દિવસનો સમાવેશ થાય છે. અરજદારે ઓનલાઈન અરજી સાથે અસલમાં દિન-7માં HardCopy સબંધિત પ્રાન્ત અધિકારીને રજૂ કરવાની છે.

આ ઉપરાંત ઈ ધરા કેન્દ્રમાં રૂ. 2000/- ફી તરીકે ભરવાના છે. જે નોન રીફંડેબલ છે. પ્રાન્ત અધિકારીએ નિયત નમુનામાં ઓનલાઈન પ્રમાણપત્ર આપવાનું છે. જેની જાણ સબંધિત અરજદારને કરવામાં આવશે અને અસલમાં પણ મોકલવામાં આવશે ત્યારે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો અસ્વીકાર કરવામાં આવે ત્યારે પણ સબંધિત અરજદારને કારણોસહ જાણ કરવાની છે.

જ્યારે સરકારે ઓનલાઈન પધ્ધતિની અરજી કરવાનું માન્ય કર્યું છે, ત્યારે બિનજરૂરી HardCopyમાં અરજી કરવાનું પ્રયોજન જરૂરી નથી. સબંધિત કચેરી Download કરી રેકર્ડના ભાગરૂપે રાખી શકે છે અને જ્યારે અરજદારના ખાતાની બધી જ વિગતો ઓનલાઈન ઉપલબ્ધ છે ત્યારે અરજદાર પાસે સોગંદનામું માંગવું પણ વ્યાજબી નથી કારણકે અરજદારને બિનજરૂરી ખર્ચામાં નાખવા અને પ્રક્રિયાનો ભાગ બનાવવામાં આવે તે આ ઉપરાંત જે સાચા ખેડૂતખાતેદારો છે તેમની પાસે Process ફી તરીકે રૂ. 2000/- જેટલી નોન રીફંડેબલ ફી લેવા તે પણ જરાય વ્યાજબી નથી. ફક્ત રૂ.50/- ફી લઈ શકાય.

મારું તો મંતવ્ય છે કે જે સાચા ખેડૂતો છે તેઓના ઉપર અવિશ્વાસ રાખવાના બદલે જ્યારે રેકર્ડ ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને આ રેકર્ડ સબંધિત પ્રાન્ત અધિકારી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે ત્યારે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રની જોગવાઈઓ રાખવાની શી જરૂર કારણ કે આ ખેડૂત પ્રમાણપત્ર નથી. પરંતુ ખેડૂત છે કે કેમ તેની ફક્ત ખરાઈ છે એટલે મારા મત મુજબ આ પ્રક્રિયામાં સરળીકરણ કરવાને બદલે પ્રક્રિયાનો ભાગ બનાવ્યો છે. જે અંગે રાજ્ય સરકાર પુનઃવિચારણા કરે તે સાચા ખેડૂત ખાતેદારોના હિતમાં છે.

CATEGORIES
Share This