તાલાલામાં ટેકાનાં ભાવે 32 હજાર ગુણી મગફળીની ખરીદી
- 15 દિવસથી ચાલતી કામગીરીથી ખેડૂતોને રાહત
- 450થી વધુ ખેડૂતો પાસેથી 2800 ખાંડી મગફળીની ખરીદી કરીને રૂ.7.60 કરોડનું ચૂકવણું
તાલાલા-ગીર | તાલાલા પંથકના 45 ગામના મગફળી પકવતા ખેડૂતો પાસેથી છેલ્લા 15 દિવસ દરમ્યાન ટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરી શરૂ થઈ છે.ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીની કામગીરી પારદર્શક થતી હોય ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો છે.
તાલાલા પંથકના 2700 ખેડુતોએ સરકારને ટેકાના ભાવે મગફળી આપવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ જેના અંતર્ગત તાલાલા માર્કેટીંગ યાર્ડમાં માલજીંજવા ગીર ગામની એકતા ફળ અને શાકભાજી સહકારી મંડળી મારફત ખરીદી શરૂ થઈ છે.
15 દિવસ દરમ્યાન 450થી પણ વધુ ખેડૂતો પાસેથી 32 હજાર ગુણી એટલે કે 2800 ખાંડી મગફળીની ખરીદી કરવામાં આવી. ખરીદ કરેલી મગફળીના રૂ.7 કરોડ 60 લાખનું ખેડૂતોને ક્રમશઃ ચુકવણું શરૂ કરવામાં આવ્યું છે. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરીમાં પારદર્શકતા જળવાતી હોય ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો છે.
તાલાલા માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન સંજયભાઈ શિંગાળા, ખરીદ સંસ્થાના પ્રમુખ રાજાભાઈ વાઢેર, નાફેડના અધિકારીઓ મગફળી ખરીદી કામગીરીમાં ખેડૂતોને કોઈ મુશ્કેલી પડે નહીં, ખેડૂતો સમયસર મગફળીનું વેંચાણ કરી શકે માટે સુંદર આયોજન કર્યું હોય ખેડૂતોએ ખુબ જ રાહત અનુભવી છે.