ધ્રાંગધ્રાના કોંઢ ગામના ખેડૂતે ગલગોટા ફૂલની ખેતી કરી લાખોની કમાણી કરી
- 40 વીઘા જમીનમાં અંદાજે 1 લાખ ફુલોના રોપાનું વાવેતર કર્યું
- ખેડૂતે પરંપરાગત ખેતી છોડી અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી
સુરેન્દ્રનગર જીલ્લો ખેતી પર નિર્ભર છે અને જીલ્લાના ખેડૂતો અલગ-અલગ સીઝન મુજબ ખેતી કરી સારી આવક મેળવે છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના પ્રગતીશીલ ખેડૂતે ગલગોટા ફૂલોની ખેતી કરી સારી આવક મેળવી અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે.
ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના પ્રગતીશીલ ખેડૂત કિરીટભાઈ વર્ષોથી કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કરતા હતા પરંતુ તેમાં સારી નીપજ મેળવવા માટે વધુ ખર્ચ થતો હતો અને કપાસ, મગફળીના પુરતા ભાવો પણ મળતા નહોતા આથી પ્રગતીશીલ ખેડૂતે વર્ષો જુની પરંપરાગત ખેતી છોડી રોકડીયા પાક તરફ વળવાનો નીર્ણય લીધો અને પોતાના ખેતરમાં 40 વીઘા જમીનમાં અંદાજે 1 લાખ જેટલા ગલગોટા ફૂલના રોપાનું વાવેતર કર્યું.
જેમાં એક પ્લાન્ટ દીઠ અંદાજે 1 કિલો ફુલનું ઉત્પાદન મેળવી રહ્યાં છે. જેનો ભાવ નવરાત્રી, દિવાળી તેમજ લગ્નની સીઝનમાં સારો મળી રહે છે અને રૂ.80 થી રૂ.125 સુધીમાં પ્રતિ કિલો ફુલનું વેચાણ કરી સારી આવક મેળવી રહ્યાં છે. જ્યારે ખેડૂતોને ડબલ આવક થઈ શકે તે માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન તેમજ રોકડીયા પાક તરફ અન્ય ખેડૂતો પણ વળે તેવું સુચન કર્યું છે અને ફુલોના વાવેતર થકી અન્ય 15થી 20 વ્યક્તિને રોજગારી પણ પુરી પાડી રહ્યાં છે.