મસાલા પાક જીંરુના સારા ઉત્પાદન માટે ઠંડીના ચમકારાની હજુ ખેડૂતોને ખપ
- હવામાનની અસર જીરુના ઉગાવા પર થઇ રહી હોવાનું જાણવા મળે છે.
- ઠંડીની શરુઆત થઇ પરંતુ બપોરે હજુ પણ સામાન્ય તડકી જોવા મળે છે
જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશ સહિતના ભારતના ઉત્તર ભાગમાં ઠંડીનું જોર વધતું જાય છે, દિવાળી પછી કૃષિક્ષેત્રમાં પાકોનું ઉત્પાદન લેવાય છે તેને રવિપાકો (વિન્ટર ક્રોપ) કહેવામાં આવે છે. સૂકી ખેતીના વિસ્તાર કે અતિવૃષ્ટિના લીધે ચોમાસુ પાકોને થયેલા નુકસાનને સરભર કરીને વધુ આવક મેળવવા માટે કૃષિકારો રવી સિઝનમાં સારું પાક ઉત્પાદન લેવા માટે કડકડતી ઠંડીમાં ખૂબ મહેનત કરતા હોય છે.
આ વર્ષે ઠંડીની હજુ શરુઆત થઇ છે પરંતુ દિવસ દરમિયાન બપોરે હજુ પણ તડકી જોવા મળે છે એટલે કે તાપમાન થોડૂક ઉંચું રહે છે, હવામાનની અસર જીરુ જેવા પાકોના ઉગાવા પર થઇ રહી હોવાનું જાણવા મળે છે. કયારામાં જીરું પુખ્યા પછી પુરતો ઉગાવો ના જોવા મળતો હોવાની ખેડૂતો ફરિયાદો કરી રહયા છે. રાત્રી દરમિયાન ખેતરોમાં ઠંડી સારા પ્રમાણમાં હોય છે પરંતુ સવાર પછી ઠંડીનો ચમકારો ઓછો થઇ જાય છે. આવા સંજોગોમાં કેટલાક ખેડૂતો જીરુના કયારે ભાંગીને ઘઉં ઉગાડવાનું મન બનાવી રહયા છે. કયાંક સવારે ઝાકળનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહયું છે.
ગુજરાતમાં જીરુ, વરીયાળી જેવા મસાલા પાકોનું બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી જીરુના પાકમાં સારા ભાવ મળતા હોવાથી સુરેન્દ્રનગર,કચ્છ,પાટણ, મહેસાણા અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં જીરુંના વાવેતર કરવામાં આવે છે. હાલમાં જીરુના વિવિધ બજારોમાં ગુણવતા મુજબ 4200 થી 5200 જેટલા ભાવ ચાલી રહયા છે.
ગુજરાતમાં જીરુંનો વાવેતર વિસ્તાર 80 થી 1.20 લાખ હેકટર જેટલો છે. નર્મદાની કેનાલોના પાણી મળવાથી સુરેન્દ્રનગરના દસાડા-પાટડી અને ધ્રાંગધા સહિતના વિસ્તારોમાં જીરુની ખેતીમાં ખેડૂતોનો રસ વધતો રહયો છે. ઝાકળ વગરનું સુકું અને ઠંડુ હવામાન જીરુના પાકને સારુ માફક આવે છે.
જીરુનો લીલો પાક ખેતરમાં લહેરાતો હોય પરંતુ તેના કોથળા ભરાય ત્યારે જ ઉત્પાદન જાણવું, કારણ કે હવામાનની દ્વષ્ટીએ ખૂબજ સંવેદનશીલ પાક છે. ત્રણ થી ચાર પિયત આપ્યા પછી જીરુ પાકવા ઉપર આવે ત્યારે જો વાદળ છાયું વાતાવરણ સર્જાય કે કમોસમી છાંટા પડે ત્યારે જીરુંના કયારામાંથી જીરું નબળું પડવા લાગે છે. છાસિયો કે કાળીયો જેવા રોગ પણ ઘણી વાર રાતા પાણીએ રોવડાવે છે. આથી જ તો જીરુંના પાકનું ઉત્પાદન લેવું પડકારજનક હોય છે.