ગુજરાતમાં 10 લાખ હેકટરથી વધુ વિસ્તારમાં ઘઉંનું વાવેતર, સારા ઉત્પાદન માટે પિયતની 6 કટોકટી અવસ્થા મહત્વની
- ગુજરાતમાં ઘઉંનો વાવેતર વિસ્તાર 12 થી 13 લાખ હેકટર જેટલો છે
- દિવાળી પછી ઠંડી નહી જામતા ધાન્ય પાકોના વાવેતરમાં મોડું થયું
પોસીસી પરિવારનું ઘાસ અને અનાજનો રાજા ગણાતા ઘઉંનો પાક સમગ્ર વિશ્વનો મુખ્ય પાક છે. બીજ અને અનાજ માટે સદીઓથી વાવેતર થતુ આવ્યું છે. ધન ધાન્યો તો વિવિધ છે પરંતુ કાર્બોહાઇડ્રેટ, પ્રોટિન અને ફાઇબરનું ઉચ્ચ પ્રમાણ હોવાથી ઘઉંની રોટલીનો વિકલ્પ નથી. ગુજરાતની વાત કરીએ તો ઓછા વત્તા પ્રમાણમાં લગભગ તમામ જિલ્લાઓમાં ઘઉં ઉગાડાય છે. ભાલપ્રદેશના બિન પિયત ઘઉં જાણીતા છે.
ગુજરાતમાં ઘઉંનો વાવેતર વિસ્તાર 12 થી 13 લાખ હેકટર જેટલો છે. ઘઉએ રવિ સિઝનનો ખૂબ મહત્વનો પાક છે. 10 લાખ હેકટરથી વધુ વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું છે. ચોમાસુ જુવાર, બાજરી અને કપાસના ઉત્પાદન પછી ખેડૂતો ઘઉના પાક માટે ખેતરો તૈયાર કરતા હોય છે. ગ્લોબલ વોર્મિગની અસરના પગલે દિવાળી પછી ઠંડીનું પ્રમાણ ઓછું રહેવાથી હજુ પણ ઘઉંની વાવણી થઇ રહી છે તે જોતા ઘઉંના વાવેતર વિસ્તારમાં વધારો થવાની શકયતા છે. ઘઉ પિયત અને બિન પિયત એમ બે પ્રકારના હોય છે.
ઘઉંની વિવિધ જાતો મુજબ 90 થી 110 દિવસે ઉત્પાદન મળે છે. ઠંડુ અને સૂકું હવામાન ઘઉંને સારુ માફક આવે છે. સરેરાશ 20 થી 22 ડિગ્રી જેટલું તાપમાન ઘઉંના પાક માટે વધુ ઉપયોગી છે. પિયત,ખેડ અને ખાતર તથા યોગ્ય માવજત ઘઉંના વ્યવસાયિક ઉત્પાદન માટે આવશ્યક છે.
ઘઉંના સારા ઉત્પાદન માટે પિયતની કટોકટી અવસ્થાઓ
ઘઉંના પાકમાં ખેડ ખાતર ઉપરાંત પિયત ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ઘઉંમા પિયતની કુલ 6 કટોકટી અવસ્થા હોય છે. ભેજવાળી જમીનમાં વાવણી પછી 15 થી 20 દિવસે અચૂક પાણી આપવું પડે છે. 40 થી 45 દિવસે ફૂટ અવસ્થામાં, 55 થી 60 દિવસની ગાભ અવસ્થા, 65 થી 70 દિવસે ફૂલ અવસ્થામાં, 80 થી 82 દિવસે દૂધિયા દાણા ભરવાની અવસ્થા અને છેલ્લે ઉંબીમાં દાણા ભરવાની પોંક અવસ્થા દરમિયાન પિયત આપવું જરુરી છે. ઘઉંના પાકમાં જમીનની સ્થિતિ,ભેજનું પ્રમાણ અને હવામાનના આધારે પિયત આપવાથી ઉત્પાદન સારું મળે છે. પિયતના ગાળામાં ફેરફાર કે વધઘટ થાય ત્યારે તેની અસર ઉત્પાદન પર થતી હોય છે. માવજતના આધારે એક વિધાએ 25 થી 50 મણ જેટલું ઉત્પાદન મળી શકે છે.