હવામાનનો બદલાતો મિજાજ, કમોસમી વરસાદની આગાહીથી રવિપાકોને જોખમ વધ્યું
આગામી કેટલાક દિવસો દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં કમૌસમી વરસાદ પડવાની શકયતા જોતા ઘઉં, જીરુ, અજમો, રાઇ, ચણા,વટાણા કપાસ, એરંડા જેવા પાકો અને ફૂલોવાળા શાકભાજી સહિતના પાકોને નુકસાન થવાની શકયતા છે. કપાસમાં ફલાવરિંગ સ્ટેજથી માંડીને જીંડવા આવવાની શરુઆત થઇ છે ત્યારે વરસાદ પડેતો ગુણવતા જોખમાઇ શકે છે.
એવી જ રીતે કમોસમી વરસાદ અને ભેજવાળુ હવામાન જીરું સહિતના મસાલા પાકો માટે નુકસાનકારક છે. જીરુંના વાવેતરમાં ઘટાડો થયો હોવાના વાવડ મળી રહયા છે. દિવાળીએ ચોમાસાની ખરીફ સિઝન પુરી થયા પછી શિયાળામાં વાવણી કરવામાં આવતા પાકોને રવિ પાકો કહેવામાં આવે છે જેને શિયાળુ પાક પણ કહેવામાં આવે છે. રવિપાકની વાવણી અને કાપણી નવેમ્બરથી માર્ચ મહિના સુધી ચાલતી રહે છે.
ખરીફ સિઝનમાં ચોમાસાના અતિ વરસાદ કે ઓછા વરસાદના લીધે ખેત ઉત્પાદનમાં થતા નુકસાનને ભરપાઇ કરવામાં રવિ સિઝન ખૂબ મહત્વની સાબીત થતી હોય છે પરંતુ તેના માટે રોગ જીવાત વગરનું સારું હવામાન અને કમોસમી વરસાદનું જોખમ ના હોય તે અગત્યનું છે. કમોસમી વરસાદ થવાથી ખેડૂતોને પાકની ગુણવત્તા અને ઉત્પાદન એમ બેવડુ નુકસાન થાય છે.
હવામાન વિભાગની માહિતી અનુસાર 26 થી 28 ડિસેમ્બરથી કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ,સાબરકાંઠા મધ્ય ગુજરાત ઉપરાંત પંચમહાલ, દાહોદ,છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના કેટલાક વિસ્તારો પણ કમોસમી વરસાદનો ભોગ બની શકે છે.
આમ તો 26 ડિસેમ્બર આસપાસ વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ તેની અસર અત્યારથી જ દેખાવા માંડી હોય કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાવાની સાથે જ હવામાનમાં પલટો આવી ગયો છે. વાદળોનું કવર હટી ગયા પછી હવામાન ચોખ્ખું થશે અને ઠંડીમાં પણ વધારો થશે. જો કે સૂકું અને ઠંડુ હવામાન ફરી ભેજવાળુ બનવાથી 26 ડિસેમ્બર પછી કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે માવઠું થવાની શકયતા રહેલી છે. 30 ડિસેમ્બરની આસપાસ ફરી હવામાન સૂકું અને આકાશ સ્વચ્છ થવાની સાથે જ માવઠાની ઘાત ટળતી જણાશે.