સંવેદનશીલ પાક જીરુંનું વાવેતર 1 લાખ હેકટર ઘટયું, ભાવ અને હવામાન જવાબદાર
- વાદળ છાયુ અને ભેજવાળુ હવામાન જીરુના પાકનું દુશ્મન છે.
જીરુંના ભાવ સરેરાશ રુપિયા 4000 થી 5000 વચ્ચે અથડાતા રહયા છે.
જીરું અગત્યનો મસાલા અને ઔષધ પાક જેની વિદેશમાં ખૂબ ડિમાન્ડ રહેતી હોવાથી છેલ્લા કેટલાક વર્ષોથી રવિ સિઝનનો મહત્વનો પાક ગણાય છે. બે વર્ષ પહેલા 20 કિલો જીરુના ભાવ 10000 હજાર આસપાસ બોલાયા હતા. ભાવના આકર્ષણના લીધે ખેડૂતો હવામાન અને માવજતની દ્વષ્ટીએ અત્યંત સંવેદનશીલ હોવા છતાં રવિ સિઝનમાં વાવણી કરે છે. અત્યંત સૂકું અને કડકડતી ઠંડીમાં સારી માવજત થાય તો જીરુંનો પાક લહેરાવા લાગે છે. વાદળ છાયુ કે ભેજવાળુ હવામાન જીરુના પાકનું દુશ્મન છે. ઉતારો ઘટવાથી માંડીને કાળિયો જેવા રોગથી જીંરુના ખેતરો સાફ થઇ જતા હોય છે. ખેડૂતોને ખર્ચ પણ માથે પડતો હોય છે. જીંરુનું ઉત્પાદન સારું થાય તો ખેડૂતોને ન્યાલ પણ કરી દે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત વર્ષ ગુજરાતમાં 5.40 લાખ હેકટર કરતા વધુ વિસ્તારમાં જીરુંનું વાવેતર થયું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી સ્ટોક અને વૈશ્વિક લેવલે સારું ઉત્પાદન થવાથી જીરુંના ભાવ સરેરાશ 4000 થી 5000 અથડાતા રહયા છે. સારા ભાવની આશાએ જીરુંનો માલ ખેડૂતોએ પકડી રાખ્યો હતો તે છોડવાનું વલણ અપનાવી રહયા છે. બે વર્ષ પહેલા ખૂબ ઉંચા ભાવ મળવાથી ખેડૂતોએ જીંરાના વાવેતરમાં મબલખ કમાણીની આશાએ જીંરુનો પાક ઉગાડવાનું જોખમ ખેડયૂં હતું પરંતુ વર્તમાન વર્ષની રવિસિઝનમાં જીરુંના વાવેતર વિસ્તારમાં 1 લાખ હેકટર જેટલો ઘટાડો થયો છે. હાલમાં 4.42 લાખ હેકટર વિસ્તારમાં જીંરુનું વાવેતર થયું છે.
જીંરુના ઉગાવા પછી બે થી ત્રણ જેટલા પિયત પણ અપાઇ ચુકયા છે માટે હવે જીંરુની વાવણી વધે તેવી શકયતા નથી. ખેડૂતોએ જીરાના વિકલ્પમાં ઘઉં, રાજગરો, ચણા,અજમો અને તુવેર જેવા પાકો વાવવાનું પસંદ કર્યુ છે. જીરાનો મહત્વનો વિસ્તાર ગણાતા, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોમાં પણ જીરુના પાક બાબતે સૂસ્તી જોવા મળે છે. ભાવ ઉપરાંત વિપરિત હવામાન અને માવઠાની શકયતાઓ રહેતી હોવાથી મોં એ આવેલો કોળિયો છીનવાઇ જાય તેના કરતા અન્ય પાકો વાવીને ખેડૂતો સલામત ખેતી કરવાનો અભિગમ અપનાવ્યો છે.