શાકભાજી સસ્તાં: કોબીજ, કોથમીર, મેથી, રીંગણા, ફ્લાવર યાર્ડમાં 5થી 10નું કિલો

શાકભાજી સસ્તાં: કોબીજ, કોથમીર, મેથી, રીંગણા, ફ્લાવર યાર્ડમાં 5થી 10નું કિલો
  • સતત સૂકાં હવામાનથી આવક વધતાં શાકભાજીથી છલકાતી બજારો
  • દૂધી, બીટ, ગાજર, મરચાં, ગલકાં, વાલ, આદુ સહિતના ભાવ પણ ઘટયા જ્યારે મુખ્ય યાર્ડમાં ચણા કરતાં મગફળી સસ્તી

રાજકોટ | શિયાળાની જમાવટ એકધારી રહેતા, સતત સુકા અને ઠંડા હવામાનથી અને માવઠાંની માઠી નહીં આવતા શાકભાજીની આવકમાં નોંધપાત્ર વધારો થવા સાથે તાજા શાકભાજી હવે સસ્તા ઉપલબ્ધ થવા લાગ્યા છે. કોબીજ, રીંગણા અને ફ્લાવરની એક દિવસમાં 1700 ક્વિન્ટલની આવક સાથે તેના રૂ.પાંચથી દસના કિલો લેખે જથ્થાબંધમાં વેચાયું હતું. ઉપરાંત કોથમીર અને મેથી જેવી ભાજીની ધૂમ આવક સાથે તેના ભાવ પણ પ્રતિ મણ મહત્તમ રૂ.200 રહ્યા હતા.

આ ઉપરાંત દૂધી, ગાજર, બીટ, ગલકાં, વાલ સહિત અનેકવિધ શાકભાજીઓના ભાવ પણ ઘટયા છે અને આવક વધી છે. લીલા આંબળા છૂટથી મળવા લાગ્યા છે તો જીંજરા, ડાળખાં કાઢેલા લીલાચણા સીઝનના આરંભે રૂ.400ના કિલો વેચાતા તે હવે રૂ.150 આસપાસના ભાવે વેચાવા લાગ્યા છે અને તેની ખપત પણ વધી છે. શેરડી, જામફળ,બોર જેવા શિયાળુ ફળની આવક પણ વધી છે.

હાલ, સારી ગુણવત્તાના સરગવો, તુરિયા અને લીલા લસણના ભાવ ઉંચા રહ્યા છે. જ્યારે લીંબુના ભાવ પ્રતિ મણ રૂ.200થી 800 વચ્ચે સ્થિર જળવાયા છે. જો કે ઉપરોક્ત તમામ શાકભાજીના ભાવ બજારમાં ફેરિયા અને વેપારીઓ પાસે પહોંચતા ૨થી ૩ ગણા થઈ જાય છે અને આથી ઘણા ગ્રાહકો સીધુ યાર્ડમાંથી શાકભાજી ખરીદવા પહોંચી જતા હોય છે.

શાકભાજી આરોગ્યપ્રદ છે પરંતુ, તેમાં કેમીકલ અત્યંત હાનિકારક છે આથી શાક ઉગાડવા,સાચવવા કેમીકલના ઉપયોગ સામે લોકોમાં હવે જાગૃતિ જોવા મળી છે અને તેથી અનેક લોકો હવે ઓર્ગેનિક કોઈ કેમીકલ વગરનું શાક બકાલુ શોધીને ખરીદી કરતા પણ જોવા મળ્યા હતા.

બીજીતરફ, મુખ્ય યાર્ડમાં ચણાના ભાવ વધીનેપ્રતિ મણ મહત્તમ રૂ.1290એ પહોંચી જતા હવે ચણા કરતા મગફળી (પ્રતિ મણ રૂ.900થી 1200) સસ્તી થઈ છે. હેલ્થ કોન્શિયસ લોકો સિંગતેલને બદલે કાચી મગફળી પાણીમાં પલાળીને ખાવાનું વધુ પસંદ કરતા હોય છે.

CATEGORIES
TAGS
Share This