નારિયેળ અને તેનાં તેલમાં બેફામ તેજી, કોકોનટ ઓઈલમાં વધુ રૂ.200 વધ્યા
- શ્રીફળનાં વૈશ્વિક ઉત્પાદનને ક્લાઈમેટ ચેન્જથી માઠી અસર
- ડબ્બાના ભાવ અધધધ..રૂ.3200એ પહોંચ્યા સાથે પૂજા માટેનું શ્રીફળ મોંઘુંદાટ, છૂટકમાં રૂ.35 અને ફળ પણ પહેલાં કરતાં નાનું મળે છે
રાજકોટ | સ્વાસ્થ્યના ગુણોની સાથે જેની સાથે ભારતની પ્રાચીન પરંપરા જોડાયેલી છે તે નારિયેળ મોંઘા થવાની સાથે નારિયેળ તેલના ભાવમાં વધારાનો દોર જારી રહ્યો છે. રાજકોટ તેલ બજારમાં ગત ગત તા.21 ડિસેમ્બર સુધી રૂ.3100ની રેકોર્ડ સપાટીએ રહેલા કોકોનટ ઓઈલના ભાવમાં સપ્તાહમાં વધુ રૂ.200ના વધારા સાથે આજે રૂ.3300ની સપાટીએ પહોંચ્યા હતા અને તમામ ખાદ્યતેલોમાં સૌથી મોંઘુ તેલ નારિયેળનું થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં અપેડાના છેલ્લા રિપોર્ટ મૂજબ વર્ષે 134 લાખ ટનથી વધુ નારિયેળનું ઉત્પાદન થાય છે. દેશમાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં સર્વાધિક પાક લેવાય છે. પરંતુ, આ વર્ષે સ્ટોકને હોલ્ડ કરી રખાતો હોય તેમ શ્રીફળની સોર્ટ સપ્લાય છે જેના કારણે બે-ત્રણ મહિના પહેલાથી ભાવ વધારાયો છે તો બીજી તરફ શ્રીલંકા અને ફીલીપાઈન્સ જેવા દેશો કે જે નારિયેળનું સર્વાધિક ઉત્પાદન અને મુખ્ય નિકાસકર્તાઓ છે ત્યાં ક્લાઈમેટ ચેન્જની અસરથી ઉપજમાં ઘટાડો નોંધાયાનું બજારના સૂત્રો કહે છે.
રાજકોટના વેપારી સૂત્રોએ જણાવ્યું કે વર્ષો સુધી એક નંગ શ્રીફળ રૂ.20થી 25ના ભાવે અગાઉ મળતું હતું પરંતુ, હવે તેના ભાવ પ્રતિ નંગ દીઠ રૂ.35એ પહોંચ્યા છે અને સાથે પહેલા જેવા મોટા ફળ પણ મળતા નથી અને નાના નારિયેળથી સંતોષ લેવો પડે છે. તો કોપરેલ તેલના ભાવ સતત વધી રહ્યા છે.
કપાસિયા તેલના ભાવ રૂ.2200એ પહોંચ્યા, સિંગતેલની સાપેક્ષે માત્ર રૂ.235નો તફાવત
- નવા ડબ્બાનું ઉત્પાદન મોટો પડકાર સર્જશે
- જૂના ડબ્બામાં તેલના સોદા બંધ સાઈડ તેલોના ભાવમાં વધારો
રાજકોટ તેલ બજારમાં વર્ષો સુધી સિંગતેલ સહિત ખાદ્યતેલોના ભાવ જુના ડબ્બાનો રૂ.50 ઓછો રખાતો હતો પરંતુ, હવે જુના ડબ્બાના સોદા બંધ થતા અનેક ગંભીર પ્રશ્નો સર્જાયા છે અને હવે ખાદ્યતેલોના ભાવ પ્રતિ કિલોએ રૂ.3 વધારે ચૂકવવા પડશે.નવા ડબ્બાનું ઉત્પાદન પણ એક પડકાર સર્જશે.
દરમિયાન જેલબજારમાં સિંગતેલના ભાવ ત્રણ દિવસથી પ્રતિ 15 કિલો નવા ડબ્બાના રૂ.2485થી 2535એ સ્થિર રહ્યા છે ત્યારે કપાસિયા તેલના ભાવમાં રૂ.20ના વધારા સાથે રૂ.2200ની સપાટીએ પહોંચી ગયા છે. જ્યારે પામતેલના ભાવ પણ વધીને રૂ.2160-2165એ પહોંચ્યા છે.