રાજકોટ માર્કેટ યાર્ડમાં નવા ધાણાની આવક શરૂ, મુહૂર્તના સોદામાં રૂ.14,508નો ભાવ બોલાયો
- ગત વર્ષે ધાણાનું 2 લાખ ટનનું ઉત્પાદન, આ વર્ષે પણ સારૂ વાવેતર
- ખેડૂતોને પ્રતિ મણ દીઠ રૂ.1300થી 1500ના ચૂકવાતા ભાવ
- ગુજરાતના 98 ટકા ધાણાનું સૌરાષ્ટ્રમાં, બાકીનું ઉત્પાદન પણ કચ્છમાં
રાજકોટ | ગુજરાતી થાળીમાં રોજિંદો જેનો વપરાશ થાય છે તે ધાણાનું 98 ટકા ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે અને બાકીનું ઉત્પાદન પણ કચ્છમાં થાય છે. શિયાળાની સીઝનમાં વવાતા આ કૃષિપાક હાલ તૈયાર થતા માર્કેટ યાર્ડોમાં આવવાનો શરૂ થયો છે.
આજે રાજકોટ બેડી યાર્ડમાં પણ ધાણાની આવક શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે ધાણા એ બીજ (સીડ્ઝ) છે જ્યારે તેનો છોડ એ કોથમીર પણ આરોગ્યવર્ધક ગુણના કારણે રોજિંદી રસોઈમાં વપરાય છે અને તેની પણ રાજકોટ યાર્ડમાં આજે 73,500 કિલોની આવક નોંધાઈ હતી.
આજે રાજકોટ બેડી યાર્ડમાં નવા ધાણાંની આવકની શરૂઆત થઈ હતી અને વેપારીએ મુહૂર્તના સોદામાં રૂ.14,508નો ભાવ ચૂકવ્યો હતો.પરંતુ, ધાણાનો સામાન્ય સરેરાશ ભાવ હાલ ખેડૂતોને ગુણવત્તા પ્રમાણે રૂ.1100થી મહત્તમ રૂ.1550 સુધી ચૂકવાય છે. ગત વર્ષની સાપેક્ષે આ ભાવ સ્થિર રહ્યા છે અને છૂટક વેપારીઓ નફાનો ગાળો ન વધારે તો ધાણા કે જે ધાણાજીરૂના પાવડરમાં પણ મોટોભાગ ધાણાનો હોય છે તેના ભાવ સ્થિર રહેવાની શક્યતા છે.
ગત વર્ષે ગુજરાતમાં એટલે કે મુખ્યત્વે સૌરાષ્ટ્ર-કચ્છમાં 1,26,580 હેક્ટર જમીનમાં 2.05 લાખ ટન ધાણાનું ઉત્પાદન નોંધાયું હતું. આ વર્ષે આજ સુધીમાં જ 1.25 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. જો સાનુકૂળ હવામાન જારી રહે તો ધાણાનું ઉત્પાદન જળવાઈ રહેશે. બીજી તરફ, કોથમીરની આવક પણ યાર્ડમાં વધી છે અને યાર્ડમાં તે રૂ.110થી 220ના મણ લેખે વેચાય છે પરંતુ, છૂટકબજારમાં ભાવ ત્રણ ગણા થઈ જાય છે.