જામનગર માર્કેટ યાર્ડમાં નવા ધાણાના શ્રી ગણેશ, 2૦ કિલોના રૂ.5611ના ભાવે સોદા થયા
- જામનગરના માર્કેટિંગ યાર્ડમાં નવા વર્ષના પ્રારંભે નવા ધાણાના શ્રી ગણેશ
- જામકંડોરણાના ખેડૂત વીસ કિલોની ત્રણ થેલી લાવ્યા હતા
- પ્રથમ ત્રણ બેગની આવક થઈ જેમાં 2૦ કિલોના રૂ.5611ના ભાવે સોદા થયા
જામનગર | સૌરાષ્ટ્રમાં મસાલા પાકોની આવકો શરૂ થઈ છે. અગાઉ જામનગરમાં નવા અજમાની આવક થયા બાદ હવે નવા ધાણાની પણ આવકનો પ્રારંભ થયો છે. અહી જામકંડોરણાથી એક ખેડૂત ધાણાની ત્રણ કોથળા ભરીને વેચાણ માટે આવતાં શુકનના મોટા ભાવ આપી કૃષિકારનું સન્માન કરાયું હતુ.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં અંગ્રેજી નવા વર્ષના પ્રારંભની સાથે આજે ગુરુવારે સવારે નવા ધાણા ની આવક થઈ છે. જામકંડોરણા પંથકના ખેડૂત ધીરુભાઈ વલ્લભભાઈ દ્વારા પોતાના 2૦ કિલોની 3 બેગ ભરીને ધાણા માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે લાવ્યા હતા, તેના શુકનના સોદા થયા હતા. જેની હરાજી દરમિયાન 2૦ કિલોની બેગનો 5611નો ઊંચો ભાવ બોલાયો હતો.
જામનગરના મોંગલ એન્ટરપ્રાઇઝ પેઢી મારફતે આશિષ ટ્રેડિંગ કંપની દ્વારા તેની ખરીદી કરવામાં આવી હતી. નવા વર્ષના પ્રારંભની સાથે જ ધાણાની આવક શરૂ થઈ છે. સામાન્ય રીતે 14૦૦થી 2,૦૦૦ રૂપિયાની 2૦ કિલોની ધાણાની બેગના સોદા થતા હોય છે, પરંતુ આ પ્રારંભે 5611નો ઊંચો ભાવ બોલાયો હતો. જેથી આ વખતે ધાણાના વેચાણના પણ ઊંચા ભાવ બોલાશે, તેમ મનાઈ રહ્યું છે.