ગુજરાતમાં ઘઉંના વાવેતરનો ઉપાડો, વાવણી 13 લાખ હેકટરથી પણ વધશે
- દેશમાં રવિ સિઝનની વાવણીમાં ઘઉંનો હિસ્સો 50 ટકા જેટલો
- ખેડૂતો હજું પણ કપાસ કાઢીને ઘઉંનું વાવેતર કરી રહયા છે
અનાજના પાકોમાં ઘઉને રાજાનો દરજજો મળ્યો છે. ઘઉંમાં પોષણ મૂલ્ય વધારે હોવાથી ગરીબી અને ભૂખમરા સામે ટક્કર લેવા માટે ઘઉંની રોટલી અને બ્રેડ ખૂબજ ઉપયોગી બને છે. ઘઉંમાથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે આથી ગરીબ અને મધ્યમ તથા ઉચ્ચ મધ્યમ વર્ગની પણ પહેલી પસંદ છે. ઘઉંની ખરીદી બારમાસી થતી હોવાથી જયારે સિઝન પાકે ત્યારે ખૂબ ખરીદી થતી હોય છે. રવિ સિઝનમાં જાન્યુઆરી મહિનો શરુ થયો છે ત્યારે ઘઉંની વાવણી લગભગ પુરી થઇ ગઇ છે. હજુ કેટલાક ઠેકાણે કપાસ ભાંગીને અથવા તો જીરુંનો ઉગાવો સારો ના થતા કયારા ભાગીને મોડી વાવણી થઇ રહી છે.
ભારતમાં રવિ સિઝનમાં ઘઉંનું વાવેતર 300 લાખ હેકટરને આંબી ગયું છે જે રવિ સિઝનમાં થતી કુલ પાક વાવણીના 50 ટકા જેટલી ભાગીદારી છે. દેશમાં રવિ વાવણી વિસ્તાર 600 લાખ હેકટર આસપાસ જણાય છે. ગુજરાતની વાત કરીએ તો રવિ સિઝન શરુ થઇ ત્યારથી જ ઘઉંનું વાવેતર સારું થશે તેવો અંદાજો ખરો પડયો છે. દેશમાં ઘઉં અને ચણના વાવેતર 2 ટકા જેટલા વધારે છે.
ગુજરાત રાજયના કૃષિ વિભાગના ડિસેમ્બર માસાન્તેના આંકડા અનુસાર 12 લાખ હેકટર જેટલું વાવેતર થયું હતું, કૃષિક્ષેત્રના જાણકારોનું માનવું છે કે હજુ પણ મોડી વાવણી ચાલું છે તેવા સંજોગોમાં ઘઉનું વાવેતર 1 લાખ હેકટર જેટલું વધીને 13 લાખ હેકટર સુધી થાય તેવી શકયતા છે. જો કે બિન પિયત પાકોની પસંદગીમાં ઘઉં કરતા ચણાને ખેડૂતોએ વધારે પ્રાધાન્ય આપ્યું હોવાનું પણ જાણવા મળે છે.