તલોદમાં મગફળી ચોરી પ્રકરણમાં સરકાર પક્ષે FIR નહીં નોંધાવતા તર્ક વિતર્ક

તલોદમાં મગફળી ચોરી પ્રકરણમાં સરકાર પક્ષે FIR નહીં નોંધાવતા તર્ક વિતર્ક
  • તલોદ વેર હાઉસિંગ કોર્પોરેશનના ગોડાઉનમાંથી મગફળીની અંદાજિત 200 બોરીની ચોરી થઇ હતી
  • મગફળીની ચોરી મામલે કિસાન સંઘ મેદાનમાં
  • ખેડૂતોની ચોરેલી મગફળી આમ જથ્થામાં ચોરાઈ ગઈ
  • સરકાર પક્ષે હજુ મગફળી ચોરીની FIR નહીં નોંધાવતા અનેક તર્ક વિતર્ક

તલોદ | સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ઉમેદની મુવાડી ગામના સીમાડામાં આવેલા ગુજરાત રાજ્ય વેર હાઉસિંગ કોર્પોરેશન (Gujarat State Warehousing Corporation)ના ગોડાઉનમાંથી અંદાજિત 200 બોરી મગફળીની થયેલી ચોરીના મુદ્દામાલના જથ્થા બાબતે કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ગત સપ્તાહથી હવામાં મુઠ્ઠીઓ ભરી રહ્યા છે. ત્યારે ખેડૂત પરિવારોના સંગઠન તલોદ તાલુકા કિસાન સંઘે લેખિતમાં દાવો કર્યો છે ચોરી થયેલી મગફળીનો જથ્થો ખેડૂતોના હક્કનો માલ છે. જેથી તેની રિકવરી કરીને ખેડૂતોને આપી દેવો જોઈએ.

ખેડુત સંગઠને આ બાબતે તલોદ મામલતદારને આવેદન પત્ર આપીને સરકાર યોગ્ય ન્યાય કરે તેવી માંગ કરી છે. ખેડૂત સંગઠનનો એવો દાવો છે કે, ખેડૂતો જ્યારે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરે છે ત્યારે માલના તોલ વખતે તેમના 35 કિલોના પ્રત્યેક કટ્ટામાંથી 1 કિલો જેટલી મગફળી અહીં “ચાઉ” કરી દેવામાં આવે છે. જે જથ્થો અહીં વેર હાઉસિંગના ગોડાઉનમાં રાખવામાં આવતો હોય છે.

તાજેતરમાં થયેલી મગફળીની ચોરીની ઘટનામાં ખેડૂતોની ચાઉ કરી સરકાવી દીધેલી મગફળીનો જ જથ્થો આમ મજૂરો મારફત જેતે જવાબદાર વ્યક્તિ એ જ સગેવગે કરી દિધો હોવાનો હળહળતો દાવો તલોદ કિસાન સંઘે તલોદ મામલતદાર અને પોલીસને પણ લેખિતમાં આવેદન રૂપે રજૂ કર્યો છે. જે અંગેનું આવેદન પત્ર તલોદ તાલુકા કિસાન સંઘના પ્રમુખ કોદર ભાઈ પટેલએ મામલતદાર અને પોલીસને આજે આપ્યું છે.

ખેડૂતોની સમસ્યા અંગે ભૂતકાળમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં ખેડૂત સંગઠનએ મામલતદાર, કલેક્ટર અને કૃષિ મંત્રી સુધીના ઓને લેખિતમાં રજૂઆતો કરી હતી. જેનું પરિણામ શૂન્ય રહ્યું હોવાનું પણ સંઘ જણાવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે,ચાલુ સાલે કુલ.1044 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું હતું. જે મગફળીનો જથ્થો 84,103 બોરી નોંધવા પામ્યો હોવાનું જાણવા મળેલ છે. દાવા મુજબ તેમાંથી જ આ હજારો કિલો મગફળી આમ તંત્ર દ્વારા ચાઉ કરી દેવામાં આવી હોવાની આશંકા ખેત ઉત્પાદકો કરી રહ્યા છે. જેથી ભવિષ્યમાં પણ આવી ઘટનાનું પુનરાવર્તન થાય નહીં અને ખેડૂતો છેતરાય નહીં તે માટે તલોદ માર્કેટયાર્ડના મોટા વજન કાંટા ઉપર જ માલનો તોલ થાય તેવી સિસ્ટમ ગોઠવાય તેવા પ્રકારની માંગ પણ કરી રહ્યા છે.

FIR નહીં નોંધાતા અધિકારીઓ સામે શંકાનો ગાળિયો મજબૂત
આ લખાય છે ત્યાં સુધી સરકારી માલિકીની આટલી બધી મગફળીની ચોરીની FIR તલોદ પોલીસ દફતરે નોંધવા પામી નથી. આમ થતા અધિકારીઓ સામે સહજ ભાવે શંકાનો ગાળિયો મજબૂત થઈ રહ્યો છે. ચોરીનો માલ એવી મગફળીનો મુદ્દામાલ ક્યાં વેચાણ કર્યો છે? ક્યાં વેપારીએ ખરીદ કર્યો છે? અને આટલી મોટી ચોરીની ઘટનાની મોડસ ઓપરેટિંગ કેવા પ્રકારની છે? તે બાબતે તટસ્થ તપાસ થાય તે અંત્યત જરૂરી છે.


આ પણ વાંચોઃ CCIએ કપાસની ખરીદી બંધ કરતા ખેડૂતો ખાનગી વેપારીઓને કપાસ વેચવા મજબૂર

આ પણ વાંચોઃ રોટી બની મોંઘીઃ ઘઉંના ભાવ પ્રતિ મણ રૂ.700ને પાર થયા

CATEGORIES
TAGS
Share This