તલોદ ખેતીવાડી કેન્દ્ર ખાતે મૂલ્ય વર્ધિત ખેતી અને ખેત ઉત્પાદનો પર સેમિનાર યોજાયો

તલોદ | સાબરકાંઠા જિલ્લાના તલોદ ગામ ખાતે આવેલ કપાસ સંશોધન કેન્દ્ર/ખેતીવાડી કેન્દ્ર તલોદ ખાતે આજે કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભારતીય મગફળી સંશોધન સંસ્થા જૂનાગઢ અને દાંતીવાડા કૃષિ યુનિ. સંલગ્ન તલોદ કપાસ સંશોધન કેન્દ્ર ના સંયુક્ત ઉપક્રમે આ શિબિર નું આયોજન કરવામાં આવતું હતું જેમાં તાલુકાના અનેક ગામો માંથી ખેડૂતો આવીને જોડાયા હતા.જેઓને કૃષિ તજજ્ઞોએ કૃષિ ઉત્પાદન અંગે ઝીણવટભરી માહિતી આપી હતી.
આ કૃષિ પરિસંવાદ ના કાર્યક્રમમાં ખેડૂતોને તલ, મગફળી અને મગ જેવા ઉનાળું પાકનું ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેમ થાય ? તે અંગે જાણકારી આપવામાં આવી હતી. આ પરિસંવાદ મંગળવારે (આજે) બપોરે વીરામ પામશે. પરિસંવાદ માં તલોદ તાલુકા કિસાન સંઘ ના સદસ્યો અને કારોબારી સભ્યો સહિતના ખેડૂતો જોડાયા હતા.
પરિસંવાદની શિબિરમાં તલોદ ખેતીવાડી ફાર્મના અધિકારી જે.એમ.પટેલ તથા જગુદણ સંશોધન કેન્દ્રના એન.આર.પટેલ તેમજ શૈલેષ પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા. જેઓએ મગફળીના ઉત્પાદન માટે પાયાના ખાતર, નિંદામણ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા જેવી બાબતો અંગેની હિમાયત કરી હતી અને તે અંગે માહિતી પૂરી પાડી હતી.
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં બટાકનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે ત્યારે ઓછા ખર્ચે બટાકાનું વધુ ઉત્પાદન થાય તે અંગે બટાકા ઉત્પાદન કરતા ખેડૂતો માટે પણ આવી શિબિરનું આયોજન કરવામાં આવે તે જરૂરી હોવાની રજૂઆત કરવામાં આવી હતી.