સૌરાષ્ટ્રમાં ધાણાની ધોધમાર આવક, રાજકોટમાં 86 હજાર મણના ઢગલા

સૌરાષ્ટ્રમાં ધાણાની ધોધમાર આવક, રાજકોટમાં 86 હજાર મણના ઢગલા
  • ધુળેટી પછી ધાણા,જીરુ,મરચા સહિત મસાલાની ધૂમ ખરીદી નીકળશે
  • રાજ્યમાં ગત વર્ષ કરતા 20 હજાર ટન વધુ,2.24 લાખ ટનનું ઉત્પાદન
  • સીઝનના આરંભે ભાવ ગત વર્ષ કરતા આંશિક ઓછા
  • બેડી યાર્ડમાં રોજ 20 કરોડથી વધુ રકમની જણસીનું વેચાણ
  • મોટા કદના ધાણા અને નાના હોય તે ધાણી તરીકે ઓળખાય છે

રાજકોટ | રોજિંદા દાળ-શાકથી માંડીને સલાડમાં છૂટથી વપરાતા અને આયુર્વેદિક દ્રષ્ટિએ ઔષધી તરીકે પણ વપરાતા ધાણાની સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ધોધમાર આવક શરુ થઈ છે. ગત વર્ષ કરતા વધુ ઉત્પાદનના કારણે તેમાં આ વર્ષે ભાવ વધારો નહીં થાય તેવી આશા છે. રાજકોટ યાર્ડમાં આજે એક જ દિવસમાં 17.20 લાખ કિલો એટલે કે 86,000 મણની આવક નોંધાઈ હતી.

ગુજરાતમાં ગત 1,26,580 હેક્ટરમાં 2,04,940 ટન ધાણાનું ઉત્પાદન થયું હતું અને આ વર્ષ 2024-25માં વાવેતર અને ઉપજ બંનેમાં વધારો થયો છે જેના પગલે કૂલ 1,32,480 હેક્ટરમાં આશરે 2,24,330 ટનના ઉત્પાદનનો અંદાજ છે. એટલે કે ગત વર્ષ કરતા આશરે 20 હજાર ટન વધુ પાકનો અંદાજ છે.

ર્ગત વર્ષે બેડી યાર્ડમાં ધાણાનો ભાવ રૂ.1290-1850 પ્રતિ મણ અને ધાણીનો રૂ.1451-2421નો ભાવ એક વર્ષ પહેલા હતો. આજે ધાણી રૂ.1220-2340 અને ધાણા રૂ.1150-1921ના ભાવે સોદા પડયા હતા. અંગ્રેજીમાં કોરિએન્ડર સીડ્ઝ કહેવાતા ધાણા યાર્ડમાં બે પ્રકારે આવે છે જેમાં નાના કદના હોય તે ધાણી અને મોટા હોય તેને ધાણા કહેવાય છે. ધાણીની કિંમત થોડી વધારે હોય છે.

રાજકોટ યાર્ડમાં આજે 8500 ક્વિન્ટલ ધાણા, 8700 ક્વિન્ટલ ધાણી સહિત કૂલ 86 હજાર મણની આવક થઈ જેની જથ્થાબંધ કિંમત રૂ.13 કરોડથી વધુ હોય છે. યાર્ડના સૂત્રો અનુસાર રાજકોટ બેડી યાર્ડમાં ધાણા, જીરુ, ચણા, ઘંઉ, મગફળી, કપાસ વગેરેની ધૂમ આવક થઈ રહી છે અને હાલ રોજ આશરે 20 કરોડથી વધુનું ખરીદ વેચાણથી યાર્ડ ધમધમી રહ્યું છે.

CATEGORIES
TAGS
Share This