ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાંની રેકોર્ડ બ્રેક 80 હજાર ભારીની આવક

- હાઇ-વે પર 2000થી 2500 વાહનોની કતાર લાગી
- આખા સૌરાષ્ટ્રમાંથી સેંકડો ખેડૂતો મરચા વેચવા માટે ઉમટી પડતા માર્કેટ યાર્ડમાં જગ્યા ટૂંકી પડી
ગોંડલ : સૌરાષ્ટ્રનાં મોટાં ગણાતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મરચાની આવક શરૂ કરવામાં આવતા જ આશરે 80,000થી વધુ ભારીની બંપર આવક થઈ હતી. હાઈ-વે પર 2000 થી 2500 વાહનોની બંને બાજુ આશરે 7થી 8 કી.મી. લાંબી વાહનોની લાઇનો જોવા મળી હતી.
માર્કેટિંગ યાર્ડમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો મરચા લઈને આવ્યા હતા. પુષ્કળ પ્રમાણમાં મરચાની આવક થતા યાર્ડની જગ્યા ટૂંકી પડી હતી. જેથી યાર્ડના ચેરમેનએ તાત્કાલિક સ્થળ પર પહોંચી અન્ય જગ્યા ભાડે રાખીને ત્યાં ઉતારવાની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.
આ તકે યાર્ડના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયા એ જણાવ્યું હતું કે એક સાથે 80,000થી વધુ મરચાની ભારીની આવક થતા હાલ પુરતી આવક બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી આવક શરૂ કરવામાં ન આવે. ત્યાં સુધી કોઈપણ ખેડૂતે મરચા લઈને ના આવવા કહયું હતું. હાલ મરચાની આવકમાં મુખ્યત્વે સાનિયા બ્રાંડ મરચાની આવક થવા પામી છે.
એક હકીકત એવી પણ છે કે સાનિયા મરચા સમયજતા તેનો કલર અને તિખાસ ગુમાવી રહ્યા છે. તેમ છતાં બીજી બ્રાંડ કરતા મબલખ ઉત્પાદન થતું હોય ખેડુતો વધુ વાવેતર કરે છે.