ફળો અને શાકભાજીમાં ખેડૂતો કરતાં વચેટિયાઓને વધુ કમાણીઃ RBI

ફળો અને શાકભાજીમાં ખેડૂતો કરતાં વચેટિયાઓને વધુ કમાણીઃ RBI

ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર અનેક યોજના ચલાવી રહી છે. સરકાર સતત એવા દાવા કરી રહી છે કે ખેડૂતોની આવક વધી રહી છે. પરંતુ વાસ્તવિક સ્થિતિ તપાસીએ તો સ્થિતિ કંઇક વિપરીત છે. ખેડૂતો અનુસાર ઉત્પાદન ખર્ચ પહેલા કરતા વધી રહ્યો છે. દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. RBIના એક સંશોધન પેપરમાં જાણવા મળ્યું છે કે ભારતના ખેડૂતોને તેમના ફળો અને શાકભાજીના માત્ર એક તૃતીયાંશ ભાવ એટલે કે 33 ટકા જ મળે છે.

મોટા ભાગની કમાણી વચેટીયા લઈ જાય છે
સંશોધન પેપરમાં ખેડૂતોને તેમના ઉત્પાદનના વધુ સારા ભાવ મળે તેમાં મદદ કરવા માટે ખાનગી એપીએમસીમાં વધારો સહિત કૃષિ માર્કેટિંગમાં સુધારાનું સૂચન કરવામાં આવ્યું છે. ટામેટા, ડુંગળી અને બટાટા (Tomato, Onion and Potato -TOP)ના ભાવનો અભ્યાસ કરતા શાકભાજીના ફુગાવાના પેપરમાં નોંધ્યું છે કે ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને માત્ર 36 ટકા, ટામેટા માટે 33 ટકા અને બટાટા માટે 37 ટકા મળે છે. એટલે કે ગ્રાહક જો ડુંગળીના 100 રૂપિયા ખર્ચ કરે છે તો ખેડૂતના ભાગે માત્ર 36 રૂપિયા જ આવે છે જ્યારે વચેટીયાના ભાગે 64 રૂપિયા જેટલો નફો જાય છે.

શાકભાજીના વેચાણમાં પારદર્શિતા વધારવાની જરૂર
સંશોધનમાં અનુસાર શાકભાજી ઝડપથી બગડતી કોમોડિટી હોવાથી, ટોપના શાકભાજીના માર્કેટિંગમાં પારદર્શિતા સુધારવા માટે ખાનગી એપીએમસીમાં વધારો કરવામાં આવી શકે છે. સ્પર્ધાથી સ્થાનિક સ્તરની એપીએમસીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવામાં પણ મદદ કરી શકે છે.

ખેડૂતો છૂટક કિંમતના 30 ટકા જ મેળવે છે
પેપરમાં એક ઉદાહરણ આપી જણાવ્યું રે ખેડૂત જલગાંવથી દિલ્હી પહોંચે છે ત્યારે કેળાની કુલ છૂટક કિંમતના 30 ટકા મેળવે છે. જથ્થાબંધ વેપારી 19.2 ટકા હિસ્સો લે છે. વેપારીઓ 26.9 ટકા અને છૂટક વેપાર 23 ટકા લે છે. આવી સ્થિતિમાં જો કેળા 50 રૂપિયા પ્રતિ ડઝનના ભાવે વેચાય તો ખેડૂતને માત્ર 15 રૂપિયા જ મળે છે. તેવી જ રીતે કેરી પર પણ ખેડૂતને 43 ટકા રકમ મળે છે. વેપારીઓ 10 ટકા અને પરિવહન ખર્ચ 5 ટકા લે છે. મજૂરી ખર્ચ બે ટકા છે અને જથ્થાબંધ વેપારીનું કમિશન 7 ટકા છે. જો કે, 8 ટકા રકમ ફળોના નુકસાનમાં જાય છે. રિટેલરનું માર્જિન 27 ટકા છે. મતલબ કે જો તમને પ્રતિ કિલો કેરી 155 રૂપિયા મળી રહી છે તો મૂળ ખેડૂતને માત્ર 67 રૂપિયા મળી રહ્યા છે.

દૂધમાં ખેડૂત 71 ટકા કમાણી
દૂધને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. ખેડૂતને દૂધમાં 71 ટકા જેટલી રકમ મળે છે. રિટેલર સાત ટકા કમિશન લે છે. તેની જાળવણી પાછળ 13 ટકા ખર્ચ થાય છે. બાકીના અન્ય ખર્ચાઓ છે. કુલ દૂધ ઉત્પાદનમાંથી 42 ટકાનો વપરાશ ગામડાઓમાં થાય છે.

કઠોળ પર 75 ટકા સુધીનો નફો
ખેડૂતોને કઠોળમાં 75 ટકા જેટલી રકમ મળી રહી છે. 3 ટકા માર્કેટ ફી, 3 ટકા માર્કેટ લેબર અને પેકિંગ ફી, 3 ટકા નુકસાન અને 8 ટકા છૂટક વિક્રેતાની ફી છે. ખેડૂતોને અળદની દાળમાં 65 ટકા ભાવ મળી રહ્યો છે. રિટેલરની ફી 14 ટકા છે. એ જ રીતે ખેડૂતોને મગની દાળમાં 70 ટકા ભાવ મળી રહ્યો છે.

ઘટેલા પુરવઠો અને વધેલી મોંઘવારીને કારણે ફુગાવા પર અસર
RBI અનુસાર 2020 પછી, ઘણા દેશો વચ્ચેના તણાવ અને પ્રતિકૂળ મોસમની ઘટનાઓને કારણે પુરવઠામાં વિક્ષેપ ઊભો થયો છે. જેના કારણે ખાદ્ય ફુગાવો ઝડપથી વધ્યો છે. માર્ચ-ઓક્ટોબર, 2022 વચ્ચે સરેરાશ ફુગાવો 7.6 ટકા અને જુલાઈ-ડિસેમ્બર 2023 દરમિયાન 8.2 ટકા હતો.

સબસિડી – લોન માફીને કારણે રાજકોષીય ખાધમાં વધારો થયો
સબસિડી બિલ અને કૃષિ લોન માફીને કારણે રાજકોષીય ખાધ (ફિસ્કલ ડેફિસિટ)માં વધારો થયો. આનાથી 2008-09ની કટોકટી દરમિયાન ખાદ્ય ફુગાવામાં વધારો થયો હતો, જ્યારે મુખ્ય નિકાસ કરતી અર્થવ્યવસ્થાઓને તેમની ખાદ્ય સુરક્ષામાં વધારો કરવાના હેતુથી પ્રતિબંધિત વેપાર નીતિઓએ પણ ભૂમિકા ભજવી હતી.

નોંધનીય છે કે ફુગાવા પર તાજેતરના દબાણ માટે ખાદ્ય ફુગાવો જવાબદાર છે અને અસ્થિર શાકભાજી ટમેટા, ડુંગળી અને બટાટા શાકભાજી સૌથી વધુ પડકારરૂપ છે.


આ પણ વાંચો: પશુપાલકો ચેતી જજો! તમારા પશુને ખરવા-મોવાસાની રસી નહીં અપાવો તો પશુ ખોઈ બેસશો 

આ પણ વાંચો: સરકારની આ યોજનામાં રોકાણ કરવાથી ખેડૂતોને દર મહિને મળશે 3000 રૂપિયા પેન્શન


ખેડૂત સમાચારની વોટ્સએપ ચેનલમાં જોડાવા અહીં ક્લિક કરો

CATEGORIES
TAGS
Share This