ગુજરાતમાં જીરુંના વાવેતરમાં ઘટાડો, ઘઉં અને ચણાના વાવેતર પર જોર
- જીરા ઉપરાંત વરિયાળીનું વાવેતર ગત વર્ષ કરતા ઓછું
- દેશમાં ચણાનું વાવેતર 90 લાખ હેકટર આસપાસ થયું છે
તાજેતરમાં હવામાનમાં ફેરફાર થતા ભેજવાળુ વાતાવરણ, કમોસમી વરસાદના વસમા છાંટા અને સવારમાં ઝાકળનું વાતાવરણ રહેવાથી પાકને વ્યાપક નુકસાનની ભીંતી હતી પરંતુ ઘઉં, ચણા, એરેંડા અને દેશી કપાસ અને જીરું જેવા પાકો તથા ફળઝાડ તથા શાકભાજીને ખાસ નુકસાન નહી થયું હોવાના વાવડ મળી રહયા છે. ખાસ કરીને જીંરુની વાત કરીએ તો જીરુના પાકમાં ખાસ નુકસાન થયું નથી. જીરુંનો પાક તૈયાર થવા ઉપર હોય ત્યારે વરસાદ વધારે નુકસાન થતું હોય છે.
જીંરુ હાલ પિયત અને ઉગાવાના સ્ટેજમાં છે. રાજયમાં જીરુંનો પાક સરેરાશ 30 થી 35 દિવસનો થયો છે. ફલાવરિંગ અને બીજને હજુ વાર છે. આમ તો ખેતી એક જોખમી વ્યવસાય રહયો છે એમાં પણ જીરું હવામાનની દ્વષ્ટ્રીએ અત્યંત નાજુક પાક છે. ખેડૂતો મોટી આશાએ વાવેતર તો કરતા હોય છે પરંતુ આકાશમાં કાળા વાદળા દેખાય તો પણ જીવ તાળવે ચોટી જતા હોય છે. જીરુંનુ બિયારણ મોંઘું, નિંદશનાશક દવાઓ અને ડીએપી જેવા ખાતરો ઠાલવીને ખેતર તૈયાર કરવામાં આવે ત્યારે ખર્ચો ઘણો થઇ ગયો હોય છે .કાતિલ ઠંડીમાં ક્રમશ પિયત અને બીજી મહેનત ખૂબ આકરી હોય છે.
જીરુંનો સરેરાશ ભાવ મણે રુપિયા 4200 થી 4500 જેટલો રહયો છે. છેલ્લા 12 મહિનાથી જીંરુના ભાવ ખર્ચની સરખામણીમાં નીચા રહયા હોવાથી વાવેતર ઘટવું સ્વભાવિક છે. નિષ્ણાતોનું માનવું છે કે 2023માં યુક્રેનની કટોકટી અને સીરિયામાં જીરુંના વાવેતર પર વિપરિત અસર થતા બજારમાં ઉંચી માંગ સર્જાતા મણે 10 હજાર જેટલા ભાવ મળ્યા હતા.
જીરું ના ઓલ ટાઇમ હાઇ ભાવ હતા. આ ભાવ સપાટીએ જીરું વેચનારા ખેડૂતો ન્યાલ થઇ ગયા હતા. જીંરુની બળતી તેજીનો લાભ લેવા માટે વરિયાળીને જીરુંમાં ખપાવીને નકલી જીંરુ તૈયાર કરવાના પણ કિસ્સા ધ્યાનમાં આવ્યા હતા. પરંતુ ત્યાર પછી છેલ્લા કેટલાક મહિનાઓમાંથી ભાવની કટોકટીના સંજોગોમાં જીરુંનુ વાવેતર ઓણ સાલ ઘટયું છે ગત વર્ષ રાજયમાં 5.5 લાખ હેકટર વિસ્તારમાં જીંરુનો પાક લહેરાતો હતો તેના સ્થાને ચણા અને ઘઉંનું વાવેતર વધારે થયું છે.
હાલમાં જીરાનું વાવેતર 4.45 લાખ હેકટર વિસ્તારમાં જોવા મળે છે. એ જોતા 25 ટકા જેટલો ઘટાડો થયો છે. સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠાના સૂકા હવામાન ધરાવતા વિસ્તારોમાં જીરાના વાવેતર ઓછા છે. ગુજરાત જ નહી સમગ્ર દેશમાં ઘઉંના વાવેતર વિસ્તારમાં 2.50 ટકા જેટલો વધારો થયો છે. દેશમાં ઘઉંનું વાવેતર 320 લાખ હેકટર કરતા પણ વધારે છે. ચણાનું વાવેતર 90 લાખ હેકટર આસપાસ થયું છે જે ગત વર્ષ કરતા 2 ટકા જેટલું વધારે છે. જીરું અને વરિયાળી જેવા સટ્ટા પાકોની સરખામણીમાં ઘઉં અને ચણામાં જોખમ ઓછું હોય છે.
જીરૂના બજાર ભાવની અસર વરિયાળીને થતી હોય છે
પ્રાપ્ત માહિતી અનુસાર જીરૂં ઉપરાંત વરિયાળીનું વાવેતર પણ ઓછું છે. જો કે જીરુંની સરખામણીમાં વરિયાળી હવામાનનો સામનો વધારે કરી શકે છે. જીરું અને વરિયાળી વચ્ચે ઉત્પાદન અને માવજતામાં તફાવત હોવા છતાં બંનેના નામ સાથે લેવાય છે. જીંરુનું ભાવ બજાર ઉંચુ હોય તેનો લાભ વરિયાળીને પણ મળતો હોય છે. જીરું નીચું તો વરિયાળી પણ નીચું એવા સમિકરણ સર્જાયા હોય એમ રવિ સિઝનમાં વરિયાળીના વાવેતરમાં 60 ટકા જેટલો ઘટાડો થયો છે. હાલમાં 47000 હેકટરમાં વાવેતર થયું છે. વાવેતરનો સમય પુરો થઇ ગયો હોવાથી હવે વધે તેવી શકયતા નથી. ગત વર્ષ 1.30 લાખ હેકટરમાં વરિયાળીનું વાવેતર થયું હતું.