બનાસકાંઠામાં બાજરીનું સૌથી વધુ વાવેતર પરંતુ વરસાદનું પ્રમાણ ઓછું
ઉત્તર ગુજરાતમાં જ્યાં ઓછો વરસાદ વરસ્યો ત્યાં બાજરીના પાક ઉપર સંકટ મંડરાયું : 1.23 લાખ હેક્ટર જમીનમાં બાજરીનું વાવેતર
હિંમતનગરઃ ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં ચાલુ વર્ષે સારા વરસાદ પછી 1,23,600 હેક્ટર બાજરીનું વાવેતર થયું છે પરંતુ જ્યાં સૌથી વધુ બાજરીનું વાવેતર થાય છે તેવા બનાસકાંઠા જિલ્લામાં અન્ય જિલ્લા કરતાં ઓછા વરસાદના કારણે પાક ઉપર સંકટ મંડરાયું છે. બનાસકાંઠા જિલ્લામાં 1,12,200 હેક્ટર બાજરીનું વાવેતર થયું છે.
વરસાદ અનિયમિત હોય તો સમગ્ર ખરીફ પાક ઉપર સંકટ મંડરાય છે. અતિભારે વરસાદ હોય તો તમામ ખેતી પાકમાં રોગચાળા સાથે પાક નિષ્ફળ જવાનો ભય ઉભો થતો હોય છે અને વરસાદ ખેંચાય કાં તો વરસાદની અછત જણાય તો અન્ય પાકો ઉપર ઉત્પાદન સહિતની ગંભીર અસરો જોવા મળતી હોય છે. ઉત્તર ગુજરાતમાં આ વર્ષે અનરાધાર વરસાદ પછી 15,51,400 હેક્ટર જમીનમાં ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવર, મગ, મઠ, અડદ, મગફળી, તલ, દિવેલા, સોયાબીન, કપાસ, ગુવાર, શાકભાજી અને ઘાસચારા સહિતનું વાવેતર થયું હતું.
જેમાં સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણા જિલ્લામાં વર્તમાન સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં અન્ય જિલ્લાની સરખામણીએ સિઝનનો 95.14 ટકા વરસાદ વરસ્યો છે. ઓછા વરસાદના કારણે ખાસ કરીને બાજરીના પાક ઉત્પાદનને અસર થવાની સંભાવના છે અને જો બનાસકાંઠા જિલ્લામાં જે તાલુકાઓમાં વધુ પ્રમાણમાં બાજરીનું વાવેતર થયું છે ત્યાં વરસાદ વધુ ખેંચાય તો પાક ઉત્પાદનમાં 25 થી 30 ટકાનો ઘટાડો નોંધાય તેવી પણ દહેશત ખેડૂતોએ વ્યક્ત કરી છે.
બાજરીનો વાવેતર વિસ્તાર
જિલ્લો વાવેતર હેક્ટરમાં
સાબરકાંઠા 200
અરવલ્લી 400
મહેસાણા 3700
પાટણ 7100
બનાસકાંઠા 1,12,200