ભાવનગરના જેસર તાલુકાના ખેડૂત સોમાભાઈ મોભે 100થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યાં

ભાવનગરના જેસર તાલુકાના ખેડૂત સોમાભાઈ મોભે 100થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યાં
  • જેસરનાં મોરચુપણાં ગામના ખેડૂત સોમભાઇ મોભે 10 વીઘામાં બાજરીની સાથે અન્ય મૂલ્યવર્ધિત પાકોનું વાવેતર કરીને અન્ય ખેડૂતો માટે બન્યાં દાખલારૂપ
  • પ્રાકૃતિક ખેતી થકી સોમભાઇ પરિવારના સભ્યોની તંદુરસ્તી જાળવવાની સાથે જમીનને બંજર થતી અટકાવવાનું કામ ખૂબ જ ઉત્સાહથી કરી રહ્યાં છે
  • પ્રાકૃતિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ માન.રાજ્યપાલએ ખેડૂત સોમભાઇ મોભને વર્ષ 2020-21મા સન્માનિત કર્યા હતાં
  • ઝીરો બજેટ ખેતી કરવાથી ઉત્પાદન વધ્યું અને ખર્ચ ઘટ્યો : ખેડૂત સોમભાઇ મોભ

ભાવનગર | આજના સમયમાં કેમિકલયુકત ખેતીથી થતા નુકસાનની સામે પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધતું જાય છે ત્યારે જેસર તાલુકાનાં મોરચુપણાં ગામના ખેડૂત સોમભાઇ મોભ ભાવનગરના અન્ય ખેડૂતો માટે દાખલારૂપ કામગીરી કરી રહ્યા છે. તેઓ ન માત્ર પ્રાકૃતિક ખેતી કરે છે, પરંતુ ઉત્પાદીત પાકોનું મૂલ્યવર્ધન કરીને આવક મેળવીને અન્ય ખેડૂતો માટે નવી રાહ ચિંધી રહ્યા છે. સોમભાઇએ ચાલુ વર્ષે 10 વીઘામાં બાજરીની સાથે અન્ય મૂલ્યવર્ધિત પાકોનું વાવેતર કરીને પરિવારના સભ્યોની તંદુરસ્તી જાળવવાની સાથે જમીનને બંજર થતી અટકાવવાનું કામ તેઓ ખૂબ જ ઉત્સાહથી કરી રહ્યાં છે.

સોમભાઇ જણાવે છે કે, તે છેલ્લા 6 વર્ષથી ઝીરો બજેટથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. ચાલુ વર્ષે બાજરાની સાથે મગનું પણ વાવેતર કર્યું છે. બાજરી મુખ્યત્વે ધાન્ય પાક છે અને પોષકતત્વોની દ્રષ્ટીએ પણ એક ઉતમ પાક છે. બાજરી આરોગ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. આ ઉપરાંત મારા ખેતરમાં મે જંગલ મોડલ બનાવ્યું છે જેમાં લીંબુ,સરઘવો, જમરૂખ, કેળ સહિત વિવિધ મિશ્ર પાકોનું વાવેતર કરીને હું સારી એવી આવક મેળવી રહ્યો છું.

પ્રાકૃતિક ખેતી કરતાં સોમભાઇ મોભે મોરચુપણાં ગામે અવનવા પાકનું સફળ ઉત્પાદન કરી રહ્યા છે. તેઓ જેસર સહિતના વિવિધ ગામોમાં તેઓ પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન-તાલીમ આપી રહ્યા છે. તેઓ જણાવે છે કે, આજના સમયમાં ખેતીમાં જતુંનાશક દવા તથા રાસાયણિક ખાતરનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે ખેડૂતોને ઉત્પાદન સામે મોટો ખર્ચ ચૂકવવો પડે છે.રાસાયણિક ખેતીના કારણે ખેડૂતોને ફાયદો ઓછો અને નુકસાન વધુ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અપનાવવા તેમજ અન્ય લોકોને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ-માર્ગદર્શન આપવા બદલ વર્ષ 2020-21મા માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ખેડૂત સોમભાઇ મોભને સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં.

CATEGORIES
TAGS
Share This