ભાવનગર જિલ્લાના ખેડૂતે પર્પલ કોબી અને બ્રોકોલીની ખેતીથી સારી આવક મેળવી

ભાવનગર જિલ્લાના ખેડૂતે પર્પલ કોબી અને બ્રોકોલીની ખેતીથી સારી આવક મેળવી

ભાવનગર તાલુકાના વાવડી (રાજગોર) ગામના એક ખેડૂત છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી દ્વારા વિદેશી શાકભાજી જેવા કે લાલ કોબીજ, ગાંઠ કોબી અને બ્રોકોલીના ઉત્પાદનો ભાવનગર અને અમદાવાદમાં વેચી સારી એવી આવક મેળવી રહ્યા છે.

ખેડૂતો ચીલાચાલુ ખેતી છોડીને અન્ય ખેતીમાં મબલખ કમાણી કરવાના અવનવા નુસખાઓ શોધી લેતા હોય છે. ત્યારે ભાવનગર તાલુકાના વાવડી (રોજગાર) ગામના ખેડૂતે લાલ કોબીજ, ગાંઠ કોબી અને બ્રોકોલીનું વાવેતર કરી લાખોની કમાણી કરી ખેડૂતે નવતર ખેતીનો નવો રાહ ચીંધ્યો છે.

વાવડી ગામના ખેડૂત જેન્તીભાઈ ચૌહાણે આજથી આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતીથી માહિતગાર થયા હતા. ત્યારબાદ તેમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.

જેન્તીભાઇ પ્રાકૃતિક ખેતી થકી વર્ષે એક સાથે અનેક પાક લેતા થયા છે. ગાય આધારિત ખેતીમાં તેઓ ગાયનું છાણ, ગૌમૂત્ર, જીવામૃત અને પંચામૃત બનાવીને તેનો છંટકાવ કરે છે, જેના કારણે ઉત્પાદન પણ સારું મળે છે. આ ઉત્પાદનનું તેઓ અમદાવાદમાં આવેલ મીઠી વીરડી પ્રાકૃતિક જૂથ દ્વારા અને ભાવનગરના અમૃત બજારમાં વેચાણ કરે છે.

તેમણે જણાવ્યું હતું કે, બાગાયત ખાતાના અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ પણ અવારનવાર અમારા ખેતરની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગેની સમસ્યાનું નિવારણ લાવે છે. આ ઉપરાંત આઠ વર્ષમાં સંખ્યાબંધ ખેડૂતો તેમના ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ તેમનાં પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શન થકી તેઓ પણ લાખેણી આવક મેળવતા થયા છે.

CATEGORIES
TAGS
Share This