સજીવ ખેતીમાં ઉપયોગ થતી વનસ્પતિજન્ય દવાઓ અને તેના ફાયદા
ખેત ઉત્પાદનમાં ઘટાડા માટે જવાબદાર વિવિધ જૈવિક પરિબળો પૈકી કીટકો (જીવાત)અને રોગોથી થતું નુકસાન એક અગત્યનું પરિબળ ગણાય છે. એક અંદાજ મુજબ જુદા જુદા પાકોમાં કીટકો અને રોગોથી લગભગ 30થી 40 ટકા સુધી ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છે. મોટાભાગે જ્યારે ઊભા પાકમાં રોગ જીવાતના ઉપદ્રવ થાય ત્યારે અચૂકથી પેસ્ટિસાઈડનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ઝેરી કિટનાશી દવાઓના ઉપયોગને પરિણામે ઊભા પાકમાં પણ તેના અંશો જોવા મળે છે. રાસાયણિક કીટકનાશક દવાઓની આડઅસરને લીધે પર્યાવરણના પ્રદૂષણ અને માનવીની તંદુરસ્તી સંબંધી ઘણા પ્રશ્રો ઉદ્ભવે છે. તે ઉપરાંત સતત એક જ પ્રકારની કીટનાશક દવાના ઉપયોગને લીધે જ તે કીટકની તે દવા સામે પ્રતિકારક્તા પણ વિકસે છે.
ઝેરી જંતુનાશક દવાના ઉપયોગને લીધે જીવાતના કુદરતી દૂશ્મનોનો નાશ થાય છે. આવા સંજોગોમાં જીવાતોના નિયંત્રણ માટે ફકત રાસાયણિક દવાઓ પર જ આધાર ન રાખતા જીવાત નિયંત્રણની વિવિધ પદ્ધતિઓનો સમન્વય કરી જીવાતની વસ્તી તેની ક્ષમ્યમાત્રા કરતા નીચે રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.
જૈવિક ખેતી-સજીવ ખેતીના આ નૂતન અભિગમમાં વનસ્પતિજન્ય દવાઓ એક અગત્યનો ભાગ ભજવે છે. સંકલિત જીવાત વ્યવસ્થાપનમાં તેનું આગવું મહત્વ રહેલું છે. વનસ્પતિમાંથી બનાવતી દવાઓને બોટાનિકલ અથવા વનસ્પતિજન્ય દવાઓ કહે છે. આ દવાઓ મુખ્યત્વે પ્રત્યાકર્ષણ અથવા અણગમો પેદા કરનાર, ખાવાનું અટકાવનાર અથવા ઝેરી દવા તરીકે કાર્ય કરે છે.
આ વનસ્પતિજન્ય કિટકનાશક દવાઓનો ઉપયોગ આપણે વર્ષોથી કરીએ પણ છીએ. જેમ કે અનાજને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે આપણે લીમડાના પાનનો ઉપયોગ કરતા હતા. આ લીમડાના પાનનો અર્ક મેળવીને ઊભા પાકમાં નુકસાન કરતા કિટકોની વસ્તીની શરૂઆતની અવસ્થામાં કાબૂ મેળવવામાં ખૂબ જ મહત્વનો ફાળો આપે છે.
આ સિવાય પશુઓ જે વનસ્પતિના પાન ન ખાય તેનો કીટનાશી તરીકે ઉપયોગ કરતા હોય છે. આ વનસ્પતિજન્ય કિટનાશક દવાઓ માનવી અને મિત્રકિટકોને આડકતરી રીતે કોઇ નુકસાન કરતી નથી તેથી આ દવાઓનો ઉપયોગ વધુ ફાયદમંદ છે. આ દવાઓ મોટાભાગે ઇયળની શરૂઆતની અવસ્થામાં સારું નિયંત્રણ આપે છે તથા ઘરેલુ વપરાશની શાકભાજીમાં આપણે તેનો ઉપયોગ વધુ કરી શકીએ.
આ પણ વાંચો: ઘઉંની વાવણી 20 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં કરવી જરૂરી
આ પણ વાંચો: તાંદળજાનું વાવેતર કરવાનું હોય તે જમીન પોચી અને ભરભરી હોય તો સૌથી ઉત્તમ