ગોંડલ યાર્ડમાં આવેલું લસણ ચાઇનાનું ન હોવાનો રિપોર્ટ
લસણનાં સેમ્પલ વધુ ખરાઇ માટે ગાર્લિક એન્ડ ઓનિયન રિસર્ચ સેન્ટર – પુના ખાતે મોકલાયાં
ગોંડલઃ ગોંડલ યાર્ડમાં ચાઇનાનું લસણ ઘુસાડયાની ચર્ચિત ઘટનામાં કંડલાના પ્લાન્ટ ક્વોરન્ટાઇન સ્ટેશનમાં આ લસણના સેમ્પલ મોકલાતા. આ લસણ ચાઇનાનું ન હોવાનો રિપોર્ટ આવ્યો છે. તેથી લસણનાં સેમ્પલ વધુ ચકાસણી માટે પુના મોકલાયા છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ગત તા.૫નાં પ્રતિબંધિત ચાઇનાનું લસણ મળી આવ્યાની ઘટનાનાં દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. વર્ષ ૨૦૦૬માં કેન્દ્ર સરકાર દ્વારા ચાઇનાનાં લસણ પર પ્રતિબંધ લાદ્યા બાદ પણ ગોંડલ યાર્ડમાં લસણ મળી આવ્યું હોય. દેશભરનાં માર્કેટ યાર્ડોએ બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો.
પ્રતિબંધ ચાઇનાનાં લસણ અંગે પોલીસે તપાસ હાથ ધરી લસણ લઈ આવનાર ઉપલેટાના વેપારીની પુછપરછ કરતા મુંબઈથી લસણનો જથ્થો આવ્યાનું જણાવ્યું હતું. બી ડીવીઝન પોલીસનાં પીએસઆઇ જાડેજા એ મુંબઈ જઈ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે તપાસનીશ પી.આઇ. જે.પી. ગોસાઈએ જણાવ્યુ કે લસણ ખરેખર ચાઇનાનું છે કે કેમ તે ખરાઈ કરવા લસણનું સેમ્પલ કંડલા ખાતે આવેલા પ્લાન્ટ ક્વોરન્ટાઇન સ્ટેશનમાં મોકલાયું હતું. તેના રીપોર્ટ મુજબ આ લરણ ચાઇનાનું હોવાની શક્યતા નથી. ઉપરાંત તેમા ફંગસ કે વાયરસ નથી. હવે લસણનાં સેમ્પલને વધુ ખરાઈ કરવા ગાર્લિક એન્ડ ઓનિયન રિસર્ચ સેન્ટર પુના ખાતે મોકલાયુ છે.