રવિ સિઝનમાં મસાલા પાક ધાણાનું વાવેતર ઘટયું, છેલ્લા 2 વર્ષમાં 40 ટકા જેટલું ઓછું
- દેશમાં 90 લાખથી 1.20 કરોડ ગુણી જેટલું ધાણાનું ઉત્પાદન થાય છે
- અન્ય મસાલા પાકની સરખામણીમાં ધાણાના ભાવો વધુ સ્થિર રહયા છે
મસાલા પાક ધાણાના વાવેતરના છેલ્લા 3 વર્ષના આંકડા પર દ્વષ્ટીપાત કરતા માલૂમ પડે છે કે વર્ષ 2022-23માં રવિ સિઝને ધાણાનું વાવેતર 2.22 લાખ હેકટર જેટલું થયું હતું. વર્ષ 2023-24માં ધાણાના વાવેતરમાં 40 થી 42 ટકા જેટલો કડાકો બોલી ગયો હતો. માંડ 1.30 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતું.
વર્તમાન વર્ષની વાત કરીએ તો કૃષિ વિભાગના વાવેતરના આંકડા મુજબ ધાણાનો વાવેતર વિસ્તાર 1.03 લાખ સુધીનો છે. રવિ સિઝનના વાવેતર પાકોની વાવણી લગભગ પુરી થઇ ગઇ છે એ જોતા હવે ધાણાનો વાવેતર વિસ્તાર ખાસ વધી શકે તેમ નથી તે જોતા ધાણાનું વાવેતર ઓછું જ રહેવાનું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢ જિલ્લો જે ધાણાના વાવેતરમાં અગ્રણી ગણાય છે જેના ખેડૂતો ઘાણા છોડીને અન્ય પાકો તરફ વળ્યા છે. ધણાના વિકલ્પમાં ચણા અને જીરુ જેવા પાકો તરફ દ્વષ્ટી માંડી છે. જુનાગઢ સિવાયના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જીરું જેવા જોખમી પાકના વિકલ્પમાં ધાણા પર પસંદગી ઉતારવામાં આવે છે પરંતુ ધાણાના ભાવો કેટલાક સમયથી સ્થિર રહેવાથી ખેડૂતોમાં ઘાણા વાવેતરનું આકર્ષણ ઘટી રહયું હોવાનું જાણવા મળે છે.
છેલ્લા 4 વર્ષથી ધાણાનો બજાર ભાવ 1100 થી 1600ની વચ્ચે અથડાતો રહે છે. એક સમય હતો કે ધાણાની વાવણી અને ઉત્પાદનમાં ખેડૂતોએ ખાસ ખર્ચ કરવો પડતો નહી, હવે વધુ ઉત્પાદન માટે ખાતરો અને દવાનો ઉપયોગ થતો હોવાથી ખેત ઉત્પાદન ખર્ચ વધવો સ્વભાવિક છે. બીજી બાજુ અન્ય મસાલા પાકની સરખામણીમાં ધાણાના ભાવો વધુ સ્થિર રહયા છે. ભારતમાં 90 લાખ થી 1.20 કરોડ ગુણી જેટલું ધાણાનું ઉત્પાદન થાય છે.
ધાણાની ખેતી મુખ્યત્વે પાંદડાના હેતુ માટે કરવામાં આવે છે. તેને ચોક્કસ ઋતુમાં ઉગાડવાની હોય છે, જેથી ઉચ્ચ ઉપજ મેળવી શકાય. શુષ્ક અને ઠંડી આબોહવામાં ઉગાડવામાં આવે ત્યારે તેનું ઉત્પાદન વધુ સારું છે. લગભગ તમામ પ્રકારની જમીનમાં પિયત પાક તરીકે ખેતી કરી શકાય છે. ઘાણાની વાવણી મૂળભૂત રીતે ભારત અને આંધ્રપ્રદેશના ઉત્તર અને મધ્ય ભાગોમાં રવિ સિઝનમાં ઉગાડવામાં આવે છે. ઘાણાની વાવણી માટે ઉત્તમ સમય ઓકટોબર અને મધ્ય નવેમ્બર માનવામાં આવે છે. વિવિધતા અને વધતી મોસમના આધારે પાક સામાન્ય રીતે લગભગ 90 110 દિવસમાં તૈયાર થઇ જાય છે.
ધાણાનો પાક તૈયાર થવા આવે ત્યારે 90 થી 110 દિવસમાં લણણી માટે તૈયાર થાય છે. પાક સંપૂર્ણ પાકે ત્યારે લીલાથી ભૂરા રંગના દાણા થઇ જાય છે. પાકેલા પાકના ઢગલા કરીને મસળીને ઉત્પાદન લેવામાં આવે છે. ધાણાની સરેરાશ ઉપજ 500 થી 900 કિલોગ્રામ હેકટરે મળે છે. પાંદડા મોટા અને છત્રી આકારના થવા લાગે છે. ધાણાના પાંદડાનો કોથમીર કહેવામાં આવે છે જેનો દાળ-શાક અને વિવિધ નાસ્તાઓમાં સ્વાદ માટે નાખવામાં આવે છે. ધાણાના પાનમાંથી ચટણી અને સૂપ પણ તૈયાર કરવામાં આવે છે.