ખેડુતોને રાહત, પાક સંગ્રહ સ્ટકચર યોજનાની સહાયમાં 25 હજારનો વધારો
- સહાયમાં વધારીને હવે રૂ. 1. લાખ કરાઇ
વડોદરા: ખેડૂતોને તેમના તૈયાર થયેલા પાકમાં રક્ષણ માટે સ્ટ્રક્ચર ઊભું કરવા સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં રૂ 25,000 નો વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યના અનેક ખેડૂતો પાસે ખેતરમાં તૈયાર પાક સાચવવા માટે સ્ટ્રક્ચર હોતું નથી. જેને કારણે વરસાદ, વાવાઝોડા, તીડ, ચોરી અને જીવાત ને કારણે તૈયાર પાક વેચાય તે પહેલા તેને નુકસાન થતું હોય છે. આવા કારણોસર ખેડૂતોને તેમનો તૈયાર થયેલો માલ પુરતા બજાર ભાવ મળે તેની રાહ જોયા વગર ઉતાવળે વેચી દેવો પડતો હોય છે. તો કેટલાક ખાનગી વેપારીઓ પણ આવા ખેડૂતોનો લાભ લઇ ઓછા ભાવે પાક ખરીદી લેતા હોય છે.
રાજ્ય સરકાર દ્વારા પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ 330 ચોરસ ફુટ સ્ટ્રક્ચર બનાવવા માટે 75,000ની સહાય અથવા તો કન્સ્ટ્રક્શનના ખર્ચના 50% બંનેમાંથી જે ઓછી રકમ હોય તે આપવામાં આવતી હતી. પરંતુ હવેથી રાજ્ય સરકારે આ પ્રકારની યોજનામાં સહાય 75 હજારથી વધારીને 1 લાખની કરી છે. પરિણામે ખેડૂતને સ્ટ્રક્ચર બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ બંનેમાંથી જે ઓછી રકમ હશે તે સરકાર ચૂકવશે.
નોંધનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં કુલ 37,000 જેટલા ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે.