ધરોઈ જળાશય 80 ટકા ભરાયું, સિંચાઈ પીવાના પાણીની ચિંતા હાલ પૂરતી ટળી
ઉપરવાસમાંથી 926 કયુસેક પાણીની આવક નોંધાઈ
ડેમમાં હાલની જળ સપાટી 616.77 ફૂટ નોંધાઈ
પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના લોકોની પાણીની સમસ્યા ઉકેલાઈ જશે
મહેસાણા: મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાનો ધરોઈ ડેમમાં રાજસ્થાન અને ઉપરવાસમાં પડેલા વરસાદથી સતત એક પખવાડીયાથી નવા પાણીની આવક થઈ રહી છે. શુક્રવારે 926 કયુસેક પાણીની આવક થતાં જળાશય અત્યારે 80 ટકા ભરાયો છે. ડેમમાં પાણીની આવક થતા હવે આગામી વર્ષ માટે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પીવાના તેમજ સિંચાઈના પાણીની ચિંતા ટળી છે.
ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ગણાતો ધરોઈ ડેમ આજે 80.48 ટકા ભરાઈ ગયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદના પાણીની આવક હજુ ધરોઈ ડેમમાં થઈ રહી છે. ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. જેની સામે હાલમાં ડેમની જળ સપાટી 616.77 ફૂટ નોંધાઈ છે.
શુક્રવારની સ્થિતીએ ઉપરવાસમાંથી ડેમમાં 926 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. ધરોઈ ડેમ યોજના દ્વારા મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના 10 શહેરો અને 1007 ગામ અને પરા ધરોઈ ડેમનું પાણી પીવે છે. જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે કે જે નિયમિત ડેમનું પાણી વપરાશમાં લે છે. ત્યારે ધરોઈ ડેમ 80 ટકા ભરાતા આગામી વર્ષે પીવાના પાણીની તકલીફ નહીં પડે તેવી સ્થિતી સર્જાતા હાશકારો થયો છે.