ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ ડિજિટલ ફાર્મર કાર્ડ મારફતે જ મળશે

ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ ડિજિટલ ફાર્મર કાર્ડ મારફતે જ મળશે
  • નોંધણી નહીં કરાવનારને કિસાન સન્માન નિધિનો હપ્તો નહીં મળે
  • દરેક ગ્રામ પંચાયતમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ, તા.25 સુધીમાં નોંધણી કરાવવી જરૂરી

ધરતીપૂત્રો માટે સરકાર દ્વારા અપાતી વિવિધ સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવા ડિજિટલ આઇકાર્ડ ફરજિયાત કરાયું છે. જેના પગલે દરેક ગ્રામ પંચાયતમાં તા.25 નવે. સુધી તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે.

ખેડૂતોને કેન્દ્ર સરકારના 2000ના હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ આઈકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને તા.25 નવેમ્બર સુધી તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આધારકાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે અને તેમાં રજિસ્ટ્રેશન નહિ કરાવનારને સરકારી યોજનાઓ તેમજ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પણ નહિ મળે.

ખેડૂતોને દરેક યોજનાનો લાભ હવે નવા ફાર્મર કાર્ડ મારફતે જ મળશે, ગ્રામ પંચાયતોમાં રજિસ્ટ્રેશન માટે ઝુંબેશ ચાલી રહી છે. ફાર્મર રજિસ્ટ્રી અંગે વધુ માહિતી આપતા બોટાદ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દરેક ફાર્મર કાર્ડ માટે દરેક ગ્રામ પંચાયતમાં રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. ગ્રામ સેવકો તલાટીઓ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ લોકોમાં જાગૃતિ લાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે.

રજિસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેમના આધાર કાર્ડ, આધારકાર્ડ સાથે લીંક કરેલો મોબાઈલ અને સર્વે નંબર 7/12 તેમજ 8-અ ના પુરાવા રજૂ કરવાના રહેશે. જે ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયેલું હશે તેઓને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, લઘુત્તમ ટેકા ભાવ (MSP) અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (E-NAM) જેવી યોજનાઓનો લાભ મળશે.


આ પણ વાંચોઃ ખેડૂતોની આવક વધારવા સરકારે 7 નવી યોજના જાહેર કરી 

આ પણ વાંચોઃ સરકારની આ યોજનામાં રોકાણ કરવાથી ખેડૂતોને દર મહિને મળશે 3000 રૂપિયા પેન્શન

CATEGORIES
TAGS
Share This