ઉત્તર ગુજરાતમાં સોયાબીનના વાવેતર પછી ભાવ નીચા રહેતાં ખેડૂતો ચિંતિત
- 47 તાલુકામાં 61,000 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર
- સોયાબિનના ભાવ 900ની સપાટીએ સ્થિર સાબરકાંઠા અને અરવલ્લીમાં સૌથી વધુ વાવેતર
હિંમતનગર : છેલ્લા 3 વર્ષથી ઉત્તર ગુજરાતના ખેડૂતો સોયાબીનના વાવેતર તરફ ઢળ્યા છે પરંતુ આ વખતે વાવેતર પછી ભાવ લાંબા સમયથી નીચી સપાટીએ રહેતાં વાવેતર કરનારા ખેડૂતો અગાઉથી ચિંતામાં જોવા મળ્યા છે.
5 જિલ્લાના 47 તાલુકામાં આ વર્ષે 60,900 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર થયેલું છે તેવા સમયે 20 કિલોગ્રામ સોયાબીનનો ભાવ રૂપિયા 900થી 924 સુધી સ્થિર થઈ જતાં ખેડૂતોને ઉત્પાદન સમયે વધુ ભાવ મળશે કે કેમ ? તેની ચર્ચાઓ ખેડૂત આલમમાં શરૃ થઈ છે. ઉત્તર ગુજરાતના કુલ વાવેતરમાં સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં સોયાબીનના વાવેતરનો 95 ટકાથી વધુ હિસ્સો છે. અત્યાર સુધી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ સોયાબીનનું વાવેતર થતું આવ્યું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સહિત સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં 5ણ સોયાબીનના વાવેતરમાં ખેડૂતોને વધુ રસ જોવા મળ્યો છે.
ઉત્તર ગુજરાતના 47 તાલુકા પૈકી કેટલાક તાલુકાઓમાં ખેડૂતોએ સોયાબીનની ખેતી ઉપર હાથ અજમાવ્યો છે. જેમાં ખરીફ વાવણીના અંત સુધીમાં 47 તાલુકામાં 60,900 હેક્ટર સોયાબીનની ખેતી સંપન્ન થઈ પરંતુ છેલ્લા કેટલાય સમયથી ભાવ નીચી સપાટીએ રહ્યા છે. ખેડૂતો પાક ઉત્પાદન સમયે ઉંચા ભાવની આશા સાથે ખેડૂતોએ સોયાબીનની સલામત ગણાતી ખેતી કરી હતી.પરંતુ હાલની સ્થિતિએ માર્કેટયાર્ડોમાં સોયાબીનના ભાવ 20 કિલોગ્રામ દીઠ 900થી 924ની સપાટીથી ઉપર વધતા ન હોવાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. સોયાબીનના પાકમાં બગાડ ઓછો થતો હોય છે અને ભેલાણનો કોઈ પ્રશ્ન નડતો ન હોવાના કારણે જિલ્લાના ખેડૂતો સોયાબીન તરફ વળ્યા પરંતુ સીઝનના આરંભે બજાર ભાવ તળીયે જોવા મળ્યા છે.