સુરેન્દ્રનગર જિલ્લામાં CCI કેન્દ્રો બંધ કરી દેવાતા ખેડૂતોની હાલત કફોડી

- વઢવાણ, ચુડા, લખતર, અને લીંબડીમાં કેન્દ્રો સત્વરે ફરી શરૂ કરવા માટે માંગણી
- કપાસ ખરીદ કેન્દ્ર બંધ રહેતા ખેડૂતો વેપારીઓને નીચા ભાવે માલ વેચવા મજબૂર
સુરેન્દ્રનગર | ગુજરાતમાં કપાસના ઉત્પાદનમાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રથમ સ્થાન આવે છે પરંતુ જિલ્લામાં કપાસના વેચાણ માટે હાલ એક પણ CCI કેન્દ્ર શરૂ ન હોવાથી ઝાલાવાડના ખેડૂતોને કપાસના વેચાણ માટે હાલાકી પડી રહી છે જે અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે જીલ્લામાં કાર્યરત CCI કેન્દ્રો ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લો કપાસના ઉત્પાદનમાં મોખરે છે. ખેડૂતો તનતોડ મહેનત કરી કપાસનું મબલખ ઉત્પાદન કરે છે જેનો દેશ વિદેશ સુધી નિકાસ થાય છે. અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસના વેચાણ માટે ચાર કેન્દ્રો લખતર, લીંબડી, ચુડા અને વઢવાણ તાલુકામાં કાર્યરત હતા.
ખેડૂતો સહેલાઈથી કપાસનું વેચાણ કરતા હતા પરંતુ સ્થાનિક આગેવાનો, વેપારીઓ અને CCI કેન્દ્રોના અધિકારીઓની મીલીભગતના કારણે છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લામાં ચાલી રહેલા CCI કેન્દ્રો બંધ કરી દેવામાં આવતા ઝાલાવાડના ખેડૂતોને હાલ ન છુટકે વેપારીઓને જ કપાસ વેચવાનો વારો આવ્યો છે.
CCI કેન્દ્રોમાં કપાસનું વેચાણ સરળતાથી થતું હતું અને ખેડૂતોને સારા અને ઉંચા ભાવ પણ મળતા હતા. પરંતુ ખેડૂતોના કપાસને સસ્તા ભાવે ખરીદી શકાય તે માટે CCI કેન્દ્રો બંધ કરી દેતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આ
મામલે સ્થાનિક ખેડૂત અગ્રણી મનુભાઈ પટેલના જણાવ્યા મુજબ સામાન્ય રીતે દરેક તાલુકામાં CCIના બે કેન્દ્ર ખોલવાના હોય છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકામાં માત્ર 4 જ CCIના કેન્દ્રો કાર્યરત હતા જે પણ છેલ્લા ઘણા સમયથી બંધ હોય ખેડૂતોને કપાસના વેચાણ માટે મુશ્કેલી પડી રહી છે ત્યારે તાત્કાલીક સરકાર દ્વારા કપાસના બંધ કરેલ 4 CCI કેન્દ્ર સાથે સાથે અન્ય તાલુકામાં પણ વધારાના નવા CCI કેન્દ્ર ખોલવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.