જગતના તાતની મુસીબતનો પાર નથી, એક બાજુ નાણાંભીડ ને બીજી બાજુ DAP ખાતરની અછત
- મંત્રી બાવળિયાના મતવિસ્તાર જસદણમાં ખાતરના ડેપો ખાલીખમ, ખાતર માટે ખેડૂતો ફાંફા મારે છે
આ વખતે ચોમાસામાં ભારે વરસાદે ખેતીને વ્યાપક નુકશાન પહોંચાડયુ છે. વિવિધ પાકો ધોવાઇ જતાં ખેડૂતોને આર્થિક રીતે તબાહ થયા છે. ગુજરાતમાં જગતના તાતની મુશ્કેલીઓનો જાણે પાર નથી. એક બાજુ, આર્થિક રીતે તબાહ ખેડૂતો નાણાંભીડનો અનુભવ કરી રહ્યાં છે ત્યારે બીજી બાજુ, રવિપાકની વાવણી અગાઉ જ ડીએપી ખાતરની અછત વર્તાઇ રહી છે. આ કારણોસર ખેડૂતો ખાતર માટે ફાંફા મારી રહ્યાં છે.
છેલ્લાં કેટલાંક દિવસોથી ડીએપી ખાતરની અછત વર્તાઇ રહી છે. ખેડૂત આગેવાનોનું કહેવુ છેકે, ચોમાસુ પાક નિષ્ફળ રહ્યો છે ત્યારે હવે સારો શિયાળુ પાક થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યાં છે. ભારે વરસાદને લીધે આ વખતે ખેડૂતોને ભારે નુકશાની વ્હોરવાનો વારો આવ્યો છે. જાણે મોઢામાંથી કોળિયો છિનવાયો છે.
દિવાળી બાદ ખેડૂતો રવિપાકના વાવેતરની તૈયારીઓ કરી રહ્યાં છે. ખાસ કરીને નાના ખેડૂતો નાણાંભીડ અનુભવી રહ્યાં છે. ખાતર, જંતુનાશક દવા ખરીદવાના ય નાણાં નથી તેમાં પણ ડીએપી ખાતરની અછત સર્જાઇ છે.
હાલ દાહોદ, પંચમહાલ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામડાઓમાં ખાતર માટે ખેડૂતો ફાંફા મારી રહ્યાં છે. ખુદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના મત વિસ્તાર જસદણમાં તો ખાતરના ડેપો ખાલીખમ પડયાં છે.
ખાતર માટે ખેડૂતો કૃષિ વિભાગમાં રજૂઆત કરી રહ્યાં છે પણ કોઇ સાંભળનાર નથી. આ પરિસ્થિતીમાં ખેડૂતોએ માંગ કરી છેકે, શિયાળુ પાક માટે પુરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે કૃષિ વિભાગે વ્યવસ્થા કરવી જોઇએ.
આ પણ વાંચોઃ APMCમાં ટેકાના ભાવથી નીચા ભાવે વેચાઈ રહી છે મગફળી, વેપારીઓએ ગેરલાભ ઉઠાવ્યો
આ પણ વાંચોઃ ઊંઝા માર્કેટયાર્ડની ત્રીજી મતદાર યાદી જાહેર, 1106 મતદારોનો સમાવેશ