ખેડૂતોને ટેકા મુજબના ભાવ પણ નથી મળતા ને ગુજરાત મોડલનાં નામે ભાજપે ચૂંટણી જીતી લીધી

ખેડૂતોને ટેકા મુજબના ભાવ પણ નથી મળતા ને ગુજરાત મોડલનાં નામે ભાજપે ચૂંટણી જીતી લીધી
  • બામણાસાની ખેડૂત મહાપંચાયતમાં રાષ્ટ્રીય કિસાન નેતાઓની પસ્તાળ
  • એમએસપી મુજબ કોઈ ભાવ મળતા નથી અને ગુજરાત મોડલ લઈ દેશમાં ચૂંટણી જીતી લીધી! હવે તમામ મુદ્દે ખેડૂતોને જાગૃત કરાશે

Farmer Mahapanchayat at Keshod | કેશોદ તાલુકાના બામણાસા ગામે આજે ખેડૂત મહાપંચાયત મળી હતી. આ આક્રમક અને વિરોધદર્શી આયોજનમાં રાષ્ટ્રીય કક્ષાના ખેડૂત આગેવાનો તથા ગુજરાતના અનેક ખેડૂત સંગઠનો જોડાયા હતા.

તમામ આગેવાનોનો એક જ સૂર હતો કે, ગુજરાતના ખેડૂતોએ હવે જ્ઞાાતિ જાતિના વાડા કોરાણે મુકીને શક્તિશાળી આગેવાનોને ચૂંટીને મોકલવા પડશે, નહીંતર ખેડૂતોની સમસ્યાઓ ઘટવાને બદલે સતત વધતી રહેવાની છે. આ કાર્યક્રમમાં ખેડૂતોને લગતા પ્રશ્નો જેવા કે ઘેડની સમસ્યા, લીલો દુષ્કાળ, ઈકો સેન્સિટિવ ઝોન, કૃષિ પેકેજ, જમીન માપણીની ભૂલ સહિતના તમામ પ્રશ્નોને લઈને સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

Khedut Mahapanchayat at Keshod

સંયુક્ત કિસાન મોરચા દ્વારા આયોજિત ખેડૂત મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો, ખેડૂત સંગઠનો અને ખેડૂત આગેવાનો જોડાયા હતા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કિસાન નેતા યોગેન્દ્રસિંહ યાદવ, કુસ્તીમાં ગોલ્ડ મેડલ મેળવનાર બજરંગ પુનીયા સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ નેતાઓએ સરકારને આડે હાથ લીધા હતા.

રાષ્ટ્રીય ખેડૂત નેતા યોગેન્દ્રસિંહ યાદવે સરકારની પોલ ખોલતાં કહ્યું કે, ‘ગુજરાત મોડલ સમગ્ર દેશમાં લઈ જઈ અને ભાજપ સત્તા પર આવ્યો છે ત્યારે થયું કે ગુજરાતમાં કેવો વિકાસ છે તેની તપાસ કરીએ, અને એ જાતતપાસમાં ગુજરાતનો ખોખલો વિકાસ સામે આવ્યો છે.’

Khedut Mahapanchayat at Keshod

તેણે અનેક દાખલા ટાંકીને સરકારની ટીકા કરતાં ઉમેર્યું હતું કે ‘પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો ભાજપ સમગ્ર દેશમાં પ્રચાર કરે છે ત્યારે ગુજરાતમાં આવીને તપાસ કરી તો સામે આવ્યું કે ગુજરાતમાં તો ચાર વર્ષ પહેલાં ફસલ વીમા યોજના બંધ કરી દેવામાં આવી છે અને તેમાં ખેડૂતોના બાકી નીકળતા કરોડો રૂપિયા હજુ સુધી સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યા નથી.

ખેડૂતોને એમએસપી મુજબના ભાવ પણ મળતા નથી.’ કહેવાતાં ગુજરાત મોડલને તેમણે મોદાણી મોડલ ગણાવીને એવો આક્રમક રવૈયો પણ દાખવ્યો કે હવે સમગ્ર દેશના ખેડૂતોની સાથે ગુજરાતના ખેડૂતોએ ખેડૂતો માટેનું નવું મોડલ બનાવવું પડશે અને ઘેડનો પ્રશ્ન દેશના કિસાનોના આંદોલનનો મુદ્દો બનશે.

CATEGORIES
TAGS
Share This