ભીંડાના પાકમાં આ ખાતર વધારશે ફૂલ-ફાલ !
Fertilizer and irrigation management in okra crop | ભીંડાએ અગત્યનો શાકભાજી પાક છે. ભીંડાનું વાવેતર કર્યું હોય ત્યારે પ્રારંભિક અવસ્થામાં નીંદણમુક્ત રાખવો જોઈએ. જે માટે કરબડીથી 2થી 3 આંતરખેડ કરવી. જરૂરિયાત મુજબ હાથ નીંદામણ થકી પણ પાકને નીંદણ મુક્ત રાખવો.
મજૂરોની અછતના સમયે નીંદણનાશક દવાઓનો ઉપયોગ કરી શકાય છે. જો મજૂરોની અછત હોય તો પેન્ડીમિથાલીન અથવા ફ્લુક્લોરાલિન 1 કિગ્રા નીંદણનાશક દવા પ્રતિ હેક્ટરે વાવણી બાદ તુરત જ છંટકાવ કર્યો હોય તો પણ એક વખત 45 દિવસ બાદ હાથ વડે નીંદામણ કરવાથી સારો ફાયદો મેળવી શકાય છે.
ભીંડામાં વાવેતર સમયે પ્રતિ હેક્ટરે પાયામાં સારું કોહવાયેલું 10થી 12 ટન છાણિયું ખાતર અને એનપીકે 50 કિગ્રા. આપ્યા પછી ફ્લાવરિંગ સમયે પૂર્તિ ખાતર આપવું પડે છે. ભીંડામાં લગભગ 45 દિવસ પછી ફ્લાવરિંગ ચાલુ થાય ત્યારે પૂર્તિ ખાતર તરીકે 50 કિગ્રા નાઈટ્રોજન આપવો.
દક્ષિણ ગુજરાતમાં પૂર્તિ ખાતર તરીકે 75 કિગ્રા નાઈટ્રોજન પ્રતિ હેક્ટરે વાવણી કર્યા બાદ 45 દિવસે આપવું. ઉનાળામાં ભીંડાની જાત, જમીનની પ્રત અને પાકની અવસ્થાને ધ્યાનમાં રાખીને 8થી 10 દિવસના અંતરે પિયત આપવા. ભીંડામાં શિંગોની વીણી ચાલુ હોય ત્યારે પિયતની ખેંચ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું.
ઉત્પાદન ચાલુ હોય તે સમયે પડતી પાણીની ખેંચ સીધી ઉત્પાદનને અસર કરે છે. ડ્રિપ ઇરિગેશનથી પિયત પાણીનો બચાવ કરવા સાથે ઉત્પાદન પણ વધારે મેળવી શકાય છે.
આ પણ વાંચો: સજીવ ખેતીમાં ઉપયોગ થતી વનસ્પતિજન્ય દવાઓ અને તેના ફાયદા
આ પણ વાંચો: ઘઉંની વાવણી 20 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં કરવી જરૂરી