લસણના ભાવ વધુ ગગડયા, પ્રતિ મણ 2,000ની સપાટી ગુમાવી 1600 થયા

લસણના ભાવ વધુ ગગડયા, પ્રતિ મણ 2,000ની સપાટી ગુમાવી 1600 થયા
  • ગત ઓક્ટોબરમાં 4,000થી 5,500ના ભાવે તેજીના દિવસો પૂરા
  • ચાલુ વર્ષ એક માસમાં જ ભાવ અર્ધા થઈ ગયા
  • રાજ્યમાં 1.10 લાખ ટનનું ઉત્પાદન,આ વર્ષે પ્રતિ હેક્ટર 600 કિલો વધુ ઉપજ
  • ચણાના ભાવમાં 10 ટકા ઘટાડો જ્યારે ઘંઉ હજુ મણે 600ને પાર
  • શાકભાજીમાં કોબીજ, કોથમીર, મેથી, દૂધી, ટમેટા સસ્તા પણ પરવરના ભાવ બમણાં થયા, ગુવાર પણ મોંઘુ

રાજકોટ | લસણના ભાવમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે અને સપ્તાહમાં પ્રતિ મણ રૂ.1000-2500થી ભાવ ઘટીને આજે રૂ.850-1600 સુધી નીચા ઉતર્યા હતા. આ જ લસણના ત્રણ મહિના પહેલા ગત ઓક્ટોબરમાં પ્રતિ 20 કિલો રૂ.4000થી રૂ.5500 સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હતા અને હવે તેણે 2000ની સપાટી ગુમાવી છે. 2025ના આરંભ સાથે જ ભાવમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. ગત તા.3 જાન્યુઆરીએ રૂ.1600થી 3500ના મણ લેખે વેચાતું લસણ હવે અર્ધા ભાવે વેચાય છે.

ગુજરાતમાં 2023-24ના વર્ષમાં લસણનું 17,140 હેક્ટરમાં વાવેતર થયું હતું, આ વર્ષે 14,166 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ, આ વર્ષે ગત વર્ષ કરતા શિયાળો અનુકૂળ રહેતા ઉપજ વધુ મળી છે, ગત વર્ષે પ્રતિ હેક્ટર 6,667 કિલો સામે આ વર્ષે 7,545 એટલે કે આશરે નવસો કિલો વધુ ઉપજ થઈ છે. જેના પગલે ચાલુ વર્ષે ઉત્પાદન 1,10,310 ટનનો અંદાજ છે.

યાર્ડમાં લીલુ લસણ પણ આવી રહ્યુ છે અને તેના ભાવ હજુ ઉંચાઈ પર જળવાયા છે, આજે લીલુ લસણ પ્રતિ મણ રૂ.1600-2700ના ભાવે વેચાયું હતું. જ્યારે સુકા લસણની આવક 425 ક્વિન્ટલ થઈ રહી છે ત્યારે લીલુ લસણ 70 ક્વિ.આસપાસ આવે છે.

બીજી તરફ, યાર્ડમાં મગફળીના ભાવ રૂ.600થી 1200ની નીચી સપાટીએ સ્થિર રહેતા સિંગતેલ સસ્તુ થયું છે અને રૂ.2,400 આસપાસના ભાવે નવો ડબ્બો મળે છે. જ્યારે ચણાના મબલખ ઉત્પાદન સાથે ચણાના ભાવ પ્રતિ મણ આશરે રૂ.100 ઘટીને હાલ 1,000-1,300થી ઘટીને 680થી 1200 આસપાસ રહ્યા છે. જો કે ઘંઉનું ઉત્પાદન પણ નોંધપાત્ર વધવાનો અંદાજ છે પરંતુ, તેના ભાવ હજુ પ્રતિ મણ દીઠ રૂ.601થી 640એ જળવાયા છે.

શાકભાજીમાં દૂધી, મેથી, ટમેટાં, કોથમીર સહિત શાકભાજી હજુ સસ્તુ રહ્યું છે પરંતુ, પરવળના ભાવમાં તોતિંગ ઉછાળો આવતા રૂ.1,800-2,200 પ્રતિ મણ પહોંચેલ છે. જ્યારે ગુવાર પહેલેથી જ મોંઘો રૂ.1200-1600ના ભાવ મળે છે.

CATEGORIES
TAGS
Share This