રાયડામાં સારા ઉતારાના એંધાણ, ભાવમાં સરકારનો ટેકો જરુરી

- હવામાન સાનુકૂળ રહેવાથી પાક ઉત્પાદન સારું મળવાની ધારણા છે
- કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા,પાટણ,બનાસકાંઠામાં વાવેતર
નાનો પણ રાઇનો દાણાના જો ભાવ સારા મળે તો ખેડૂતોને પોષાય તેવી ખેતી છે. રવિપાક તરીકે રાયડાનું જે વાવેતર કર્યુ હતું તે પાકવાની અણી પર છે. ખાસ કરીને આગોતરી વાવણીનો પાક કેટલાક ઠેકાણે વઢાવવાનો પણ શરું થયો છે. ગુજરાતમાં રાયડાનું મુખ્યત્વે વાવેતર ઉત્તર ગુજરાતમાં મહેસાણા,પાટણ,બનાસકાંઠા અને અરવલ્લીમાં થાય છે. કચ્છમાં પણ મોટા પાયે રાયડાની ખેતી થાય છે. છુટી છુવાઇ ખેતી ગુજરાતમાં ઘણા સ્થળે જોવા મળે છે. વર્તમાન સિઝનમાં ગુજરાતમાં 2.58 લાખ હેકટર વિસ્તારમાં રાયડાનું વાવેતર થયું છે જે ગત વર્ષની સરખામણીમાં 6 થી 7 ટકા જેટલું ઓછું છે. વાવેતર ઓછું છતાં રોગ જીવાત પર નિયંત્રણ અને હવામાન સાનુકૂળ રહેવાથી પાક ઉત્પાદન સારું મળવાની ધારણા છે.
ભારતની વાત કરીએ તો રાયડાના વાવેતર વિસ્તાર 90 લાખ હેકટર આસપાસનો મનાય છે. વર્તમાન વર્ષમાં રાષ્ટ્રીય સ્તરે રાયડાના વાવેતરમાં 2 થી 3 ટકા જેટલો ઘટાડો જણાય છે. હોળી આસપાસ રાયડો વઢાવવાની શરુઆત થાય ત્યારે રાયડાની જીવાત તરીકે ઓળખાતી મશીનું પ્રમાણ વધી જાય છે. રસ્તા પરથી પસાર થતા લોકોને તેનો અનુભવ થતો હોય છે. રાયડાની કાપણીની સિઝનને હજુ વાર છે પરંતુ વહેલા વાવેતરના રાયડા તૈયાર થઇ ગયા છે. રાયડાના ભાવની વાત કરીએ તો 40 કિલોના 2000 થી 2100 જેટલા મળે છે. આ ભાવ ઘણા સમયથી સ્થિર છે, રાયડાની કાપણીની સિઝન શરુ થશે ત્યારે પાકનો વધુ જથ્થો બજારમાં આવશે એવા સમયે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે જરુરી છે. ખેડૂતો સરકાર તરફથી ટેકાના ભાવ મળવાની પણ આશા રાખી રહયા છે.