સીંગતેલનો ડબ્બો રૂ.2400ની નીચે, કપાસિયામાં ભેળસેળની શંકાએ ચેકિંગ

સીંગતેલનો ડબ્બો રૂ.2400ની નીચે, કપાસિયામાં ભેળસેળની શંકાએ ચેકિંગ
  • સૌરાષ્ટ્રમાં ત્રણ વર્ષ બાદ સીંગતેલ સસ્તુ થયું
  • કપાસિયા, પામતેલ, સૂર્યમુખી સહિત સાઈડ તેલો સીંગતેલ લગોલગ આવી ગયા
  • માત્ર નારિયેળ તેલ સૌથી મોંઘુ તેલ

રાજકોટ | રાજકોટ તેલ બજારમાં આજે સિંગતેલના ભાવ વધુ રૂ.15નો ઘટાડો થતા લાંબા સમય બાદ સીંગતેલ રૂ.2,400ની સપાટી તોડીને તેનાથી નીચે આવ્યું છે. આજે 15 કિલો નવો ડબ્બો રૂ.2,345-2,395ના ભાવે અને 15 લિટરનો રૂ.2,130-2,180ના ભાવે સોદા પડયા હતા. તો બીજી તરફ કપાસિયા તેલમાં અગાઉ ભેળસેળ ખુલી હતી જે અન્વયે મનપાએ કપાસિયા તેલના 3 તથા સીંગતેલના 2 નમુના લઈને લેબ.ટેસ્ટીંગમાં મોકલ્યા છે.

સીંગતેલ અને કપાસિયા તેલમાં જુના ડબ્બાના સોદા ફરી શરુ થયા છે જે નવા ડબ્બા કરતા રૂ.50 ઓછા ભાવે હોય છે અને મોટાભાગે કપાસિયા, પામતેલ ખરીદતા વેપારીઓ, ઉત્પાદકો તે ખરીદતા હોય છે. વળી, સીંગતેલમાં 15 કિલો કરતા 15 લિટર હવે ભાવ ઘટયા બાદ રૂ.190 ઓછા લેવાય છે જે પહેલા રૂ.200 ઓછા લેવાતા હતા અને કપાસિયા તેલમાં 15 કિલોના ડબ્બા કરતા લિટરનો ડબ્બો હવે 170 રૂ.ઓછા ભાવે વેચાય છે.

વેપારી સૂત્રો અનુસાર આશરે ત્રણ વર્ષ બાદ સીંગતેલ આટલી નીચી સપાટીએ આવ્યું છે જેના પગલે તેનો ઘરેલું વપરાશ વધી રહ્યો છે. જો કે ફરસાણના ઘણા વેપારીઓ હજુ પણ કપાસિયા તેલ વાપરતા હોય છે. જ્યારે બ્રાન્ડેડ પેક્ડ ફૂડમાં તો હજુ પામતેલનો જ વપરાશ થતો રહ્યો છે.

મગફળીના મબલખ ઉત્પાદનની સાથે તેના તેલના ભાવ ઘટતા એક સમયે પ્રતિ ડબ્બાએ રૂ.700-800 મોંઘુ સિંગતેલ હવે કપાસિયા કરતા માત્ર રૂ.215નો ભાવ ફરક જ રહ્યો છે. જ્યારે કપાસિયા અને પામતેલ વચ્ચે માત્ર રૂ.૬5નો ફરક છે. સૂર્યમુખી, મસ્ટર્ડ, કેસ્ટર ઓઈલ વગેરે તમામ તેલ રૂ.2,100-2,200ની રેન્જમાં છે અને સીંગતેલની લગોલગ આવી ગયા છે ત્યારે એકમાત્ર નારિયેળ (કોકોનટ) તેલ હજુ મોંઘુદાટ પ્રતિ 15 કિલોના રૂ.3,450-3,490ના ભાવે વેચાય છે.

દરમિયાન અગાઉ તેલના ભાવ બેફામ વધ્યા ત્યારે મંદ રહેલું ફૂડ ચેકીંગ હવે વધ્યું છે, આજે માર્કેટ યાર્ડ, કોઠારીયા રોડ, રૈયારોડ વિસ્તારમાં કપાસિયા અને સિંગતેલના નમુના લેવાયા હતા.

CATEGORIES
TAGS
Share This