ગુજરાતમાં છેલ્લા 15 વર્ષમાં 25 ખાનગી APMCને મંજૂરી મળી, સરકારીનું અસ્તિત્વ જોખમમાં
સરકારી APMCની દશા દયનીય, ઘણી APMCની કર્મચારીઓના પગાર આપવાના ફાંફા
ગુજરાતમાં સરકાર ખુદ જાણે ખાનગી APMCને પાછલા બારણે પ્રોત્સાહન આપી રહી છે. છેલ્લાં એક જ વર્ષમાં સરકારે બે ખાનગી APMCને મંજૂરી આપી છે. કૃષિજગત સાથે સંકળાયેલાં નિષ્ણાતોનું માનવુ છે કે, જો આ જ સ્થિતી રહી તો, ગુજરાતમાં સરકારી APMCનું ભવિષ્ય જોખમમાં મૂકાય તે દિવસો દૂર નથી.
ગુજરાતમાં એક પછી એક ખાનગી APMC શરૂ થઈ છે પરિણામે સરકારી APMCની દશા દયનીય છે. ઘણી APMCની આર્થિક સ્થિતી એવી છેકે, કર્મચારીઓના પગાર આપવાના નાણાં નથી. ઘણી APMCના પાટિયા પડે તેવી દશા છે. આ સંજોગોમાં સરકારે ખાનગી APMCને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યુ છે.
છેલ્લાં 15 વર્ષમાં જ રાજ્ય સરકારે 25થી વધુ ખાનગી APMCને મંજૂરી આપી દીધી છે. કૃષિ વિભાગે વિધાનસભામાં કબૂલ્યુ છે કે, વર્ષ 2023માં જ વધુ બે ખાનગી APMCને મંજૂરી આપવામાં આવી છે જેમાં જૈની પ્રોજેક્ટસ લી. અને અમર એગ્રો. લીમીટેડને સમાવેશ થાય છે. નોંધનીય છે કે, અમદાવાદમાં ય વિંઝોલની સીમમાં એક ખાનગી APMC શરૂ કરાઇ છે.
ખાનગી APMC શરૂ થતાં સહકારી ક્ષેત્ર તૂંટી પડવાનો ભય ઉભો થયો છે. સાથે સાથે સહકારી ક્ષેત્રની APMCના સેસની આવક ઓછી થશે. સહકારી APMCના કર્મચારીની નોકરી સામે જોખમ ઉભુ થશે. ખાનગી APMCમાં વેપારીઓ કાર્ટેલ રચે તો ખેડૂતોને પુરતો ભાવ પણ નહી મળે. જો આ જ સ્થિતી રહી તો,ખાનગી APMCનો રાફડો ફાટશે જયારે સરકારી APMCને ખંભાતી તાળાં વાગશે તે નક્કી છે. સરકારી APMC સામે જોખમ સર્જાયુ હોવા છતાંય ખુદ સરકારે જ ખાનગી APMCને પ્રોત્સાહન આપી રહી છે.