આજથી ટેકાના ભાવે મગફળી સહિતની જણસીની ખરીદી શરૂ થશે, મુખ્યમંત્રી કરાવશે પ્રારંભ

ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી, વર્ષ 2024-25મા ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી આજથી ખરીદવાનું શરૂ કરવામાં આવશે. ગુજરાત સરકારે મગફળી માટે પ્રતિ મણના રૂ. 1356.60 નો ભાવ નિર્ધાર કર્યો છે. જ્યારે પ્રતિ મણ મગ માટે રૂ. 1736.40, પ્રતિમણ સોયાબીન માટે રૂ. 978.40 અને પ્રતિ મણ અડદ માટે રૂ. 1480નો ભાવ નક્કી કર્યો છે.
ગુજરાત સરકારે, ખેડૂતોને તેમના કૃષિપાકને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આજથી વિવિધ તાલુકાઓમાં આવેલ 160 ખરીદ કેન્દ્ર દ્વારા ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીનની આજથી ખરીદી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી ખરીદીનો શુભારંભ કરાવશે. આજથી 90 દિવસ સુધી મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
વેચાણ માટે 3,29,552થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. ઓનલાઇન નોંધણી માટે તા. 10 નવેમ્બર છેલ્લો દિવસ હતો. ત્યારે નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં મગફળી ખરીદાશે. આ ઉપરાંત અફવાઓથી દૂર રહેવા ખેડૂતોને કૃષિ મંત્રી રાઘવજી પટેલે અનુરોધ કર્યો.
નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ. 1,356.60 પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે. મગફળી ઉપરાંત મગ, અડદ, સોયાબીનની પણ ખરીદી કરવામાં આવશે. મોટાભાગની ખરીદી ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ એક મણ મગફળીના 1356 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીના ભાવ સરેરાશ 1100 થી 1200 રૂપિયા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતો ટેકા ના ભાવે વેચાણ માટે આ વર્ષે વધુ રસ દાખવશે.
રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી કુલ રૂ. 7,645 કરોડના મૂલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી, રૂ. 450 કરોડના મૂલ્યની 92,000 મેટ્રિક ટન સોયાબીન, રૂ. 370 કરોડના મૂલ્યની 50,970 મેટ્રિક ટન અડદ અને રૂ. 70 કરોડના મૂલ્યની 8,000 મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ. 8,474 કરોડના મુલ્યની આશરે 12.78 લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે મગફળીનો ટેકાનો ભાવ માટે રૂ. 6,783 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1,356 પ્રતિ મણ), મગનો ટેકાનો ભાવ રૂ. 8,682 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1,736 પ્રતિ મણ), અડદનો ટેકાનો ભાવ રૂ. 7,400 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1,480 પ્રતિ મણ) તથા સોયાબિનનો ટેકાનો ભાવ રૂ. 4,892 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 978 પ્રતિ મણ) જાહેર કરવામાં આવ્યો છે.